ગોરેગામમાં દાઉદની ટોળકીના ગૅન્ગસ્ટરના ઘરમાંથી એકે-56 રાઇફલ સહિતનાં શત્રો પકડાયાં

ગોરેગામમાં દાઉદની ટોળકીના ગૅન્ગસ્ટરના ઘરમાંથી એકે-56 રાઇફલ સહિતનાં શત્રો પકડાયાં

ગૅન્ગસ્ટરની પત્ની યાસ્મિનની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : થાણેની  ખંડણી  વિરોધી ટુકડીએ શુક્રવારે રાતે ગોરેગામના બાંગુરનગરના એક ઘરમાંથી 35 વર્ષની યાસ્મિન નઈમ શેખની એકે-56, 95 જીવંત કારતૂસ, બે પિસ્તોલ, 13 જીવંત કારતૂસ અને 3 મૅગેઝિન સહિત ધરપકડ કરી હતી. યાસ્મિન કુખ્યાત ગુંડા દાઉદ ઇબ્રાહિમની ટોળકીંના સભ્ય નઈમની  પત્ની છે. મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે 2016ની 20 એપ્રિલે નઈમની ધરપકડ કરી હતી.
પાંચમી જુલાઈએ થાણેના સાકેત રોડ પર ડ્રગ વેચનારી કુખ્યાત ટોળકીના સભ્યો આવવાના હોવાની જાણ ખંડણી વિરોધી ટુકડીના સિનિયર પોલીસ-અૉફિસર પ્રદીપ શર્માને મળી હતી. ત્યાર બાદ છટકું ગોઠવીને જાહિદ અલી શૌકત કાશ્મીરી (47 વર્ષ) અને સંજય બિપિન શ્રોફ (47 વર્ષ)ને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસની  સઘન પૂછપરછમાં જાહિદે નઈમ ખાનના બાંગુરનગરના ઘરમાં ઘાતક શત્રો હોવાની માહિતી આપી હતી. ત્યાર બાદ થાણેની  ખંડણી  વિરોધી ટુકડીએ ગોરેગામના નઈમના ઘરેથી શત્રોના જથ્થા સાથે યાસ્મિનની ધરપકડ કરી હતી.
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 2016માં ગેરકાયદે શત્રો રાખવા બદલ નઈમ ખાનની ધરપકડ કરી હતી. એ ગુનામાં અન્ય ચાર આરોપી સામેલ હતા અને તેઓ અન્ય ગુંડા છોટા શકીલે આપેલી  સોપારી બાદ ઇકબાલ અત્તરવાલાની હત્યા કરવા આવ્યા ત્યારે નઈમ સાથે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. બધા આરોપીઓ થાણે જેલમાં છે. તેને આ શત્રો કોણે પૂરાં પાડયાં? યાસ્મિન કઈ ગૅન્ગ માટે કામ કરતી હતી? તેઓ કોની  હત્યા કરવાનું કાવતરું રચતાં હતાં એવા પ્રશ્નો પોલીસ યાસ્મિનને પૂછી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer