40 દિવસ રાહ જુઓ, ભાયખલાસ્થિત રાણીબાગમાં પેંગ્વિનનું પારણું ઝૂલશે

40 દિવસ રાહ જુઓ, ભાયખલાસ્થિત રાણીબાગમાં પેંગ્વિનનું પારણું ઝૂલશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : ભાયખલાના વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન એટલે રાણીબાગમાં ઘણી રાહ જોવડાવ્યા બાદ હવે પેંગ્વિનનું પારણું ઝૂલવાનું છે. પેંગ્વિનની ત્રણ જોડીમાંથી એક માદા પેંગ્વિને ગુરુવારે ઇંડાં મૂક્યાં છે. માત્ર મુંબઈમાં જ નહીં, પણ ભારતમાં પ્રથમ વખત પેંગ્વિનનો જન્મ થશે. પેંગ્વિને ઇંડાં મૂકયાંની જાણ થયા બાદ રાણીબાગમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે. જોકે, પેંગ્વિનનાં બચ્ચાં માટે 40 દિવસ રાહ જોવી પડશે.
છેલ્લાં બે વર્ષમાં આ સાત પેંગ્વિનને મુંબઈનું વાતાવરણ માફક આવી ગયું હતું અને એમણે પોતાના સાથીદાર પણ ચૂંટી લીધાં હતાં. એ જોડીમાંનાં સૌથી ઓછી ઉંમરમાં મિસ્ટર મૉલ્ટ (ત્રણ વર્ષ)એ એની જોડીદાર ફિલપર (સાડા ચાર વર્ષ)એ ગુડ ન્યૂઝ આપ્યા છે. માર્ચ-એપ્રિલ અને અૉક્ટોબર-નવેમ્બર પેંગ્વિનનો પ્રસૂતિકાળ હોય છે. એ સમયગાળામાં માદા પેંગ્વિન મહિનામાં જ ઇંડાં મૂકે છે. ત્યાર બાદના 40 દિવસે ઇંડાંમાંથી બચ્ચાં બહાર ચાલે છે. ભલે પેંગ્વિનનાં બચ્ચાંના જન્મને સવા મહિનો બાકી હોય, પણ રાણીબાગમાં એના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer