જી-નીટ વર્ષમાં બે વાર લેવાશે : જાવડેકરની જાહેરાત

જી-નીટ વર્ષમાં બે વાર લેવાશે : જાવડેકરની જાહેરાત

નવી દિલ્હી, તા. 7 : કેન્દ્રીય માનવ સંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે આજે એવી જાહેરાત કરી હતી કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા લેવામાં આવતી મોટાભાગની પરીક્ષાઓને આગામી 2019થી સંભાળી લેશે.
નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતાં જાવડેકરે કહ્યું હતું કે, જોઈન્ટ એન્જિનીયરિંગ એન્ટ્રન્સ (જેઈઈ) અને મેડિકલ તથા ડેન્ટલના કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ (એનઈઈટી) એટલે કે `નીટ' પરીક્ષા હવે વર્ષમાં બે વખત હાથ ધરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, જેઈઈ (મેઈન્સ) દર વર્ષે જાન્યુઆરી અને એપ્રિલમાં લેવામાં આવશે. જ્યારે નીટ ફેબ્રુઆરી અને મે મહિનામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, `િવદ્યાર્થીઓ હવે વર્ષમાં બે વાર `નીટ'ની પરીક્ષા આપી શકશે. શ્રેષ્ઠ ગુણાંક મેળવ્યા હશે તે પ્રવેશમાં ધ્યાને લેવામાં આવશે. નવી રચવામાં આવેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા નીટ, જેઈઈ, યુજીસી નેટ અને સીએમએ જેવી પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એનટીએની રચનાની દરખાસ્ત પર ગત વર્ષે જ મંજૂરી આપી દેવામાં આવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer