દ્વારકાનગરી ફરીથી સોનાની બનશે : જગતમંદિરને સોને મઢવાનો ધારાસભ્યનો નિર્ધાર

દ્વારકાનગરી ફરીથી સોનાની બનશે : જગતમંદિરને સોને મઢવાનો ધારાસભ્યનો નિર્ધાર

11 કરોડ પાર્થિવ શિવલિંગનું નિર્માણ: નંદીશાળા અને 1 લાખ ગાયોનો કાયમી નિવાસ બનાવ્યા બાદ પબુભા માણેકનો જગત મંદિરને સોને મઢવાનો સંકલ્પ
 
દ્વારકા, તા. 7 : ઓખા મંડળના ભામાશા ગણાતા સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિએ તેમના પુત્ર અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જગતમંદિરને અગાઉના સમય મુજબ સુવર્ણથી ઝળહળતું કરવાનો સોનેરી સંકલ્પ લીધો છે. જેને સ્થાનિક અગ્રણીઓએ વધાવી લીધો હતો.
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે તા.6-7-2018 જેઠ વદ આઠમના રોજ ઓખા મંડળના ભામાશા ગણાતા તેમના પિતા સ્વ. વિરમભા આસાભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે નાગેશ્વર રોડ પર વિરમભા આશાભા માણેક ટ્રસ્ટ દ્વારા નંદી શાળા - ગૌશાળા ખાતે દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ માટે પ.પૂ. 1008 મહામંડલેશ્વર મા કનકેશ્વરી દેવીજીની ઉપસ્થિતિમાં ધ્વજાજીનું પૂજન કર્યા બાદ માતાજીના હસ્તે ગૌશાળાના શીલાપૂજન કર્યા બાદ શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં રહેવાનો લહાવો મળવા બદલ ઠાકોરજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શ્રીકૃષ્ણના દ્વારિકાના રાજ વખતની દ્વારિકા જેમ સોનાની હતી તેમ ફરીવાર દ્વારકાના દ્વારિકાધીશ મંદિરને સુવર્ણજડિત કરવા અંગે સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે કનકેશ્વરી દેવીએ પણ તેમને આ શુભસંકલ્પમાં સફળતા મળે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.
લાંબા સમયથી નાગેશ્વર રોડ પરની આ પાવન ભૂમિ પર નંદી શાળા- નંદી ઘરનું નિર્માણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું હોય તે હાલમાં જ પરિપૂર્ણ થયું છે. થોડા જ દિવસોમાં શ્રાવણ મહિનો આવતો હોય શિવજીના પ્રિય એવા શ્રાવણ માસમાં આ ભૂમિ પર અગિયાર કરોડ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી તેના પૂજન બાદ આ ભૂમિ પર ઓખા મંડળના નંદીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત શ્રાવણ માસમાં જ કનકેશ્વરી દેવજીના વ્યાસાસને દિવ્ય શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં નંદી શાળાનું નિર્માણ થયું છે તેની સામે જ ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં આશરે એક લાખ ગાયોને કાયમી ધોરણે રાખવામાં આવશે.
ધારાસભ્ય પબુભા માણેકે આ શુભ અવસરે એવો સંકલ્પ કર્યો હતો કે ગૌશાળાનું કામ પૂર્ણ થયા બાદ ભગવાન દ્વારકાધીશ તેમજ શિવજીના આશીર્વાદથી તેઓ દ્વારા જે રીતે પહેલાના વખતમાં ઠાકોરજીનું મંદિર સોનાનું હતું અને તેથી આ નગરી સોનાની દ્વારિકા કહેવાતી તે જ રીતે દ્વારકાના દ્વારકાધીશના મંદિરને ફરીથી સુવર્ણનું હોવું જોઇએ તેવી લાગણી સાથે દ્વારકાધીશ મંદિરને સોનાથી મઢવાનો તેમણે સંકલ્પ લીધો હતો. ધારાસ્યના સુવર્ણ સંકલ્પને ઉપસ્થિત સ્થાનીય અગ્રણીઓ દ્વારા આવકારી સહૃદય વધાવી લેવાયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer