બુરહાનની વરસી પહેલાં કાશ્મીર અશાંત : સુરક્ષા દળ સાથે ઘર્ષણમાં ત્રણ નાગરિકનાં મોત

બુરહાનની વરસી પહેલાં કાશ્મીર અશાંત : સુરક્ષા દળ સાથે ઘર્ષણમાં ત્રણ નાગરિકનાં મોત

શ્રીનગર, તા. 7 : જમ્મુ-કાશ્મીરમાં ફરી શાંતિ ડહોળાઈ છે. એનઆઈએના સકંજામાં આવેલી મહિલા આતંકવાદી આસિયા અંદ્રાબીના ટેકામાં અને આતંકવાદી બુરહાન વાનીની આવતીકાલે વરસી પહેલાં અલગતાવાદીઓએ બંધનું એલાન આપ્યું છે. તંત્રએ એલર્ટ જારી કરીને રેલીને નિષ્ફળ કરવા ત્રાલમાં સંચારબંધી લાદી દીધી છે. બીજીતરફ કુલગામ જિલ્લાના ખુદવાણી વિસ્તારમાં આજે સવારે શોધ અભિયાન દરમ્યાન પથ્થરબાજોએ મોટાપાયે હંગામો મચાવતાં સુરક્ષાદળો સાથે થયેલા ઘર્ષણ દરમ્યાન ત્રણ નાગરિકનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં એક સગીરાનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ કુલગામ અને અનંતનાગમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
આ સંઘર્ષમાં ત્રણ જવાન સહિત 13થી વધુને ઈજા પહોંચી હતી. ઘર્ષણ દરમ્યાન ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તબીબોએ ત્રણના મોત નીપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.
સેના અને પથ્થરબાજો વચ્ચેનું આ ઘર્ષણ બુરહાનની બીજી વરસી પહેલાં અલગતાવાદીઓએ આપેલા બંધના એલાન દરમ્યાન થયું હતું. ઉલ્લેખનીય છે કે હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના મોતની બીજી વરસી પર અલગતાવાદી તત્ત્વોએ જમ્મુ-કાશ્મીરમાં બંધનું એલાન આપ્યું છે.
સુરક્ષા કારણોસર પુલવામા અને ત્રાલ સહિત અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. બંધ દરમ્યાન તકેદારીના ભાગરૂપે રવિવારે રવાના થનારી અમરનાથ યાત્રા પર પણ રોક લગાવવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ.પી. વૈદે જણાવ્યું હતું કે આતંકી બુરહાનની વરસીએ બંધના એલાનથી સુરક્ષાને ધ્યાને લેતાં અમરનાથ યાત્રાને આવતીકાલે રોકવામાં આવી છે આ કારણે આશરે 1000ની સંખ્યામાં અમરનાથ યાત્રીઓને કઠુઆમાં જ રોકાઈ જવું પડયું છે. 15000થી વધુ શ્રદ્ધાળુને જમ્મુ, ઉધમપુર અને રામબાણ જિલ્લામાં રોકવામાં આવ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુપ્તચર સૂત્રો અનુસાર આતંકી વાનીની વરસી પર આતંકવાદી હુમલાથી બચવા માટે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગના 300 કિલોમીટરના વિસ્તારમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના અધ્યક્ષ યાસીન મલિકની અટક કરી લેવામાં આવી હતી. હુર્રિયત કોન્ફરન્સના મીરવાયઝ ઉમર ફારૂકને નજરબંધ કરવામાં આવ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer