ડાંગની સરિતા એશિયન ગેમ્સમાં દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ડાંગની સરિતા એશિયન ગેમ્સમાં દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 7 : આગામી 18મી અૉગસ્ટથી બીજી સપ્ટેમ્બર દરમિયાન ઈન્ડોનેશિયાનાં જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સમાં 4x400 મીટર રિલે દોડમાં દેશની ગોલ્ડન ગર્લ ડાંગની આદિવાસી યુવતી સરિતા ગાયકવાડની પસંદગી કરવામાં આવી છે. 
આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી 58મી નેશનલ ઈન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બાદ ધી એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં આ સ્પર્ધા સહિત નેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓની જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સ માટે પસંદગી કરવામાં આવી છે. સરિતા ગાયકવાડે આ નેશનલ કેમ્પમાં સફળતાપૂર્વક ઇન્ટરસ્ટેટ ચેમ્પિયનશિપમાં 400 મીટર દોડમાં ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ અંકે કર્યો હતો. 4x400 મીટર રિલે દોડમાં ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ સાથે ભારતનાં દોડવીરો એવી એમ.આર. પુવમ્મા, સોન્યા વેશ્ય, વિજ્યાકુમારી, વી. કે. વિસ્મયા અને જીસ્ના મેથ્યુની પણ પસંદગી કરવામાં આવી છે. જે  પૈકી સ્પર્ધાની અંતિમ ક્ષણે ઈન ફોર એથ્લેટિક્સની પસંદગી કરવામાં આવશે. 
58મી ઈન્ટરસ્ટેટ સીનિયર એથ્લટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર દોડમાં ગુજરાત માટે મેડલ જીતનારી ડાંગની સરિતાએ 58.01 સેકન્ડ સાથે આ દોડ પૂરી કરી હતી. સરિતા એશિયન ગેમ્સમાં ભાગ લેવા પૂર્વે આગામી 9મી જુલાઈથી પોલૅન્ડ ખાતે એશિયન ગેમ્સની તાલીમ માટે જશે અને ત્યાંથી જ સીધી જકાર્તા એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે જશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer