1992ના સિક્યુરિટીઝ સ્કેમમાં બૅન્ક અધિકારીઓ સહિત પાંચને કારાવાસ


મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : ખાસ અદાલતે 1992ના સિક્યુરિટીઝ સ્કેમમાં બૅન્કના વરિષ્ઠ અધિકારીઓ સહિત પાંચ જણને કસુરવાર ઠરાવીને જુદી જુદી મુદતની જેલની સજા કરી હતી.
1992ના સ્કેમ સંબંધિત કેટલાક કેસોનો નિકાલ કરી રહેલા જસ્ટિસ શાલીની ફનસલકર જોશીએ ફાઈનાન્શિયલ ફેરગ્રોથ સર્વિસીસ લિમિટેડ (એફએફએસએલ)ના આર. લક્ષ્મીનારાયણ અને એસ. શ્રીનિવાસન અને આંધ્ર બૅન્કની સબસિડિયરી આંધ્ર બૅન્ક ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (એબીએફએસએલ)ના થારીયન ચાકો, વાય. સુંદર બાબુ અને આર. કલ્યાણ રામનને કસુરવાર ઠરાવ્યા હતા.
કોર્ટે એફએફએસએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લક્ષ્મીનારાયણ અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રીનિવાસનને ત્રણ વર્ષની જેલની સજા અને એબીએફએસએલના અધિકારીઓને ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી.
ગુરુવારે અપાયેલા ચુકાદા મુજબ આરોપીઓએ જુલાઈ 1991થી મે 1992ની દરમિયાન એફએફએસએલ અને એબીએફએસએલ વચ્ચે જાણી જોઇને ઠગાઈપૂર્વકના સોદાઓ કર્યા હતા. પ્રોસિક્યુશનના કેસ મુજબ ખાનની કંપની એફએફએસએલ નાણાંભીડ અનુભવતી હતી અને તેને અતિરિક્ત નાણાંની સખત જરૂર હતી. આ કેસમાં આરોપી ઠરેલા એબીએફએસએલના અધિકારીઓએ આ સોદાઓ માટે એફએફએસએલને ગેરકાયદે સિક્યોરિટી રશીદો આપી હતી.
કોર્ટે જોકે એફએફએસએલના અધિકારીઓ ગોપાલ શંકર ઐયર અને પી. ચંદ્રશેખર તેમ જ શૅરબ્રોકર પલ્લવ શેઠને છોડી મૂક્યા હતા.
આ ખાસ કેસ હર્ષદ મહેતાના વખતમાં દેશના અર્થતંત્રને હચમચાવી મૂકનારા ફાઈનાન્શિયલ સ્કેમનું પરિણામ હતું એમ જસ્ટિસ જોશીએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer