સુધારાવાદી મહિલાઓ વિરુદ્ધ રૂઢિવાદી મહિલાઓ


69,000 દાઉદી વહોરા મહિલાઓના સંગઠને `ખતના'ની તરફેણમાં સુપ્રીમમાં અરજી કરી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : દાઉદી વહોરા કોમમાં મહિલાઓના ગુહ્યેન્દ્રીયના વિચ્છેદન (ખતના) સામેની `લડાઈ' અંતિમ તબક્કામાં હતી અને સુધારાવાદીઓને વિજય હાથવેંતમાં જણાઈ રહ્યો હતો તેવા સમયે જ કોમની મહિલાઓના એક સંગઠને આ પ્રથાને જોરદાર સમર્થન દર્શાવ્યું છે.
કેન્દ્ર સરકારે ખતના જેવી અત્યાચારી ધાર્મિક પ્રથાને નિયંત્રિત કરવા સુપ્રીમ કોર્ટને આદેશ આપવાનો અનુરોધ કર્યાના ત્રણ મહિનાથી પણ ઓછા ગાળામાં દાઉદી વહોરા મહિલાઓના સંગઠન- દાઉદી વહોરા વુમેન્સ ઍસોસિયેશન ફોર રિલિજિયસ ફ્રિડમે આ ધાર્મિક ક્રિયાકાંડમાં સુન્નત (નહીં કે અંગવિચ્છેદન) કરાતી હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
દિલ્હીસ્થિત ઍડવોકેટ સુનીતા તિવારીએ દાઉદી વહોરા કોમમાં પ્રવર્તતી `ખતના (ખફઝ)' પ્રથાના વિરોધમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી (ઙઈંક) કરી હતી અને તેના આધારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે દાદ ચાહી હતી. જોકે, આ ઙઈંકમાં પોતાને પક્ષકાર બનાવવામાં આવે એમ જણાવતાં `ખતના'નો તરફેણ કરનારા ઉક્ત મહિલા સંગઠને તેને `શુદ્ધતા પ્રાપ્ત કરવા માટેની પવિત્ર ધાર્મિક વિધિ' ગણાવી હતી.
સુનીતા તિવારીએ ઙઈંકમાં જણાવ્યું હતું કે આ પ્રથાને કોઈ ધાર્મિક ઓળખ નથી મળી તેમ જ તે કોઈ પણ મેડિકલ કારણો કે વજૂદ વિના કરવામાં આવે છે. આ પ્રથાને બિન-જામીનપાત્ર ગુનો જાહેર કરવામાં આવે. આ વિધિમાંથી પસાર થતી દાઉદી વહોરા કોમની મહિલાઓને આને કારણે સમગ્ર જીવન શારીરિક અને માનસિક આઘાતની અસર હેઠળ જીવવું પડે છે. તદુપરાંત આ ગેરકાયદે સર્જરી ખૂબ જ બિનઆરોગ્યપ્રદ રીતે તેમ જ બાલ્યાવસ્થામાં કરવામાં આવે છે જે નાની બાળકીઓ માટે અત્યંત કષ્ટદાયક હોય છે.
પોતાના 69,000 સભ્યો હોવાનો દાવો કરનારા દાઉદી વહોરા વુમેન્સ ઍસો. ફોર રિલિજિયન ફ્રિડમે તેની દલીલને પુરવાર કરવા માટે 13 ધાર્મિક અવતરણો ટાંક્યાં હતાં અને એવો પણ દાવો કર્યો હતો કે બંધારણની કલમ 25 અને 26માં તેમને આ ધાર્મિક સ્વતંત્રતા બહાલ કરવામાં આવી છે.
સંગઠને વધુમાં જણાવ્યું હતું કે ઉક્ત ઙઈંકની સુનાવણી પાંચ જજોની બંધારણીય ખંડપીઠ દ્વારા થવી જોઈએ.
ફાતીમીદ કાયદાશાત્ર (દાઉદી વહોરા કોમ દ્વારા ચાલતી ઇસ્લામની શાળા)માં તેને ધાર્મિક શુદ્ધતા (તાહરાત) પ્રાપ્ત કરવા માટેનો અવિભાજ્ય હિસ્સો ગણાવવામાં આવ્યો છે. યહૂદી તેમ જ ખ્રિસ્તી ધર્મોના ગ્રંથોમાં સુધ્ધાં આ પ્રથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એમ સંગઠને કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું.
તાહરાતને પ્રાર્થના (નમાઝ) કરવા માટેની જરૂરી બાબત ગણવામાં આવી છે. સાત વર્ષ જેટલી નાની વયની બાળાઓ પર આ ધાર્મિક વિધિ કરાવવાની પ્રથાને યોગ્ય ગણાવતાં અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે છોકરાઓને જન્મ બાદ તુરત જ સુન્નત કરવામાં આવે છે જ્યારે છોકરીઓની બાબતમાં સાત વર્ષની વયને વાજબી ગણાવાઈ છે.
ગત ફેબ્રુઆરીમાં દાઉદી મહિલાઓની `ખતના'નો વિરોધ દર્શાવતી એફિડેવિટમાં એક 7-વર્ષની બાળકીની કરુણકથા વર્ણવતાં સ્વતંત્ર સંશોધનકારો લક્ષ્મી અનંતનારાયણ અને શબાના દિલેરે જણાવ્યું હતું કે આ બાળકીને `ખતના' કરાવ્યા બાદ ભારે પ્રમાણમાં આખી રાત બ્લીડિંગ થયું હતું અને નાછૂટકે તેનાં માબાપને તેની સર્જરી કરાવવી પડી હતી.
દરમિયાન આ અંગે કરાયેલા અભ્યાસમાં કોમની કેટલીક મહિલાઓએ કબૂલ કર્યું હતું કે તેમને આ ક્રૂર પ્રથાને કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડયું હતું. તેમાંની અમુક મહિલાઓ તો ડિપ્રેશનનો શિકાર પણ બની હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer