ગાંધીનગરમાં દારૂ અંગે જનતા રેડ કરનાર અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો

 
યુવા ત્રિપુટી લાલઘૂમ, સામેથી ધરપકડ વહોરવા પહોંચ્યા  
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.7 : શહેરમાં સોલામાં થયેલા કથિત લઠ્ઠાકાંડના પગલે કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાસના કન્વીનર હાર્દિક પટેલની યુવા ત્રિપુટીએ ગાંધીનગરમાં ડીએસપી કચેરી સામેના એક ઘરમાં જનતા રેડ કરીને દારૂ પકડયો હતો અને આ અંગેનો વીડિયો પણ જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
આ સંદર્ભે પોલીસે ગેરકાયદે ઘરમાં ઘૂસી જઈ મહિલા પર ખોટો આરોપ મૂકવાના મામલે અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલની યુવા ત્રિપુટી સહિત છ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ તદ્દન ખોટી હોવાનું અને સરકાર બૂટલેગરોને બચાવતી હોવાના આક્ષેપ સાથે આજે સાંજે આ ત્રિપુટી તેમના સમર્થકો સાથે ગાંધીનગરમાં ડીએસપી કચેરીએ ધરપકડ વહોરવા આવી હતી.  
આ યુવા ત્રિપુટીએ ઇન્કિલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એ માટે મોટી સંખ્યામાં પોલીસ-કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ યુવા ત્રિપુટીએ કહ્યું હતું કે દારૂનો વેપાર ગુજરાતમાં બેફામ ચાલી રહ્યો છે. ગુજરાતની સરકારને દારૂબંધીમાં રસ નથી. સરકાર બૂટલેગરોને છાવરી રહી છે અને તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ કરાવીને જ રહીશું. અમે અમારી લડત ચાલુ રાખીશું. 
ઉલ્લેખનીય છે કે સોલા ગામમાં બુધવારે થયેલા કથિત લઠ્ઠાકાંડ બાદ કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાસના કન્વીનર હાર્દિક પટેલની યુવા ત્રિપુટી ઉપરાંત મુકેશ ભરવાડ, ચેતન ઠાકોર, પ્રવીણ ભરવાડ સહિત 15થી વધુ વ્યક્તિએ ગાંધીનગર ડીએસપી કચેરી સામે આદિવાડી ગામમાં રહેતાં કંચનબહેન મકવાણાના ઘરમાં ઘૂસી  જનતા રેડ કરી હતી. ત્યાંથી બે દેશી દારૂની પોટલીઓ મળી હતી. આ મામલે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ રેડમાં આવેલા વિરમગામના એક યુવકે ચોરીછૂપીથી દારૂની બે પોટલી કંચનબહેનના ઘરમાં મૂકી હતી. 
અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ સહિત 15થી વધુ વ્યક્તિ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કંચનબહેનના ઘરમાં ટોળું ઘૂસી ગયું હતું અને ખૂણે ખૂણે તપાસ કરી હતી. કંચનબહેને આજીજી અને કાકલૂદી કરી હોવા છતાં ત્રણેયે એક નહીં માનતાં રેડ કરી હતી. આ ઘટના બાદ મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્ય સાથે આવેલો એક છોકરો જાતે જ દારૂ લઈને આવ્યો હતો અને મારા ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના બાદ ગાંધીનગર પોલીસે પ્રવીણ ભરવાડ નામના યુવકની પૂછપરછ કરી હતી.
ગાંધીનગર સેક્ટર-21ના પોલીસ-ઇન્સ્પેક્ટર વી. એન. યાદવે જણાવ્યું હતું કે પ્રવીણ ભરવાડની પૂછપરછ બાદ મહિલાના ઘરમાંથી મળી આવેલી  દારૂની બે પોટલીઓ ધારાસભ્ય સાથે આવેલા યુવકે મૂકી હોવાનું સામે આવ્યું હતું; જેમાં અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ, મુકેશ ભરવાડ, ચેતન ઠાકોર અને પ્રવીણ ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer