શિવસેના ભવન ઉપર બાળ ઠાકરેના ફોટા નીચે શિવાજીનો ફોટો છે એને અપમાન ન ગણાય? - કૉંગ્રેસ


સચીન સાવંતે કરેલા વક્તવ્ય બાદ વિવાદ વકરવાની શક્યતા
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : અભિનેતા રિતેશ દેશમુખ અને દિગ્દર્શક રવિ જાધવ સહિતના કેટલાક જણાએ રાયગઢ પરના શિવાજી મહારાજની પ્રતિમા સામે બેસીને ફોટા પડાવ્યા એ પ્રકરણમાં રિતેશ પર ટીકાની ઝડી વરસાવાઈ હતી. જોકે રિતેશે આ આખા પ્રકરણ સંદર્ભે માફી માગી લીધી છે, પરંતુ કૉંગ્રેસે આ પ્રકરણમાં શિવસેનાને ટાર્ગેટ કરી છે.
દાદરમાં આવેલા શિવસેના ભવન પર શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેના પગને અડીને છત્રપતિ શિવાજી મહારાજનો ફોટો મુકાયો છે એ શું શિવાજી મહારાજનું અપમાન ન ગણાય? એવો પ્રશ્ન કૉંગ્રેસના પ્રવક્તા સચીન સાવંતે પૂછ્યો છે. જોકે, સચીન સાવંતની આવી પ્રતિક્રિયાથી વિવાદ વકરવાની શક્યતા દર્શાવાઈ રહી છે. રાયગઢ પરના શિવાજી મહારાજના પૂતળા સામે પીઠ રાખીને ફોટો પડાવ્યા બાદ ટીકા થતાં રિતેશ દેશમુખે શિવભક્તોની માફી માગી લેતાં જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને દુ:ખ પહોંચાડવાનો અમારો હેતુ નહોતો. અમારી ભૂલથી કોઈનું મન દુભાયું હોય તો અમે તેમની અંત:કરણપૂર્વક માફી માગીએ છીએ. 
શિવાજી મહારાજના વ્યક્તિત્વ દ્વારા પ્રેરણા લેવા માટે રાયગઢ કિલ્લા પર જવાનો અવસર સર્જાયો. દરેક શિવભક્તની માફક હું પણ અહીંના વાતાવરણમાં અત્યંત ખુશ થઈ ગયો હતો. મેં શિવાજી મહારાજને નતમસ્તક વંદન કરી તેમના પૂતળાને હાર પણ પહેરાવ્યો હતો. સમજણો થયો ત્યારથી તેમના ચરણે માથું નમાવ્યું હતું એટલે તેમના ચરણો પાસે બેસી ફોટો પડાવવાની ઇચ્છા ઘણાં વર્ષોથી હતી. એટલે એ અમે પૂરી કરી. કોઈનું મનદુ:ખ કરવાનો અમારો ઇરાદો નહોતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer