વેપારયુદ્ધ છેડાતાં અમેરિકી ક્રૂડની આયાત ભારતમાં વધવાની સંભાવના


નવી દિલ્હી.તા. 7 : ચીન સાથે અમેરિકાના વેપારયુધ્ધનો લાભ ભારતને મળવાના અણસાર છે. અમેરિકાના ક્રૂડ તેલ ઉત્પાદકોને ભારતના રૂપમાં એક નવો મિત્ર મળી શકે છે. આ વર્ષે મે માસમાં ચીનની રિફાઇનરીઓ અમેરિકાના ક્રૂડતેલની સૌથી મોટી ખરીદાર હતી પરંતુ હવે વેપારયુધ્ધને લીધે સ્થિતિ બદલાઇ છે. અમેરિકા ક્રૂડની નિકાસ પણ ચીનમાં ઘટાડી શકે છે. તેનો ફાયદો ભારતને મળી શકશે.
ચીને ટેરિફ લગાવ્યું તો તેની રિફાઇનરીઓ અમેરિકી ક્રૂડ તેલ ખરીદવાની નથી. અમેરિકાના ઉત્પાદકો માટે આ સોદો મોંઘો સાબિત થઇ શકે છે. અમેરિકાના વિક્રેતાઓએ ભારત જેવી બજારો શોધવી પડશે. ભારત મોટાંપાયે ક્રૂડ તેલની આયાત કરી રહ્યો છે. અમેરિકામાંથી પણ આવે છે. મે માસમાં 47 લાખ બેરલ ક્રૂડ તેલ આયાત કર્યું હતું. એપ્રિલ કરતા આયાત વધારે થઇ હતી. ચીનમાંથી કોઇ ટેરિફના સમાચાર આવે તો ભારતને વધુ ક્રૂડ ખરીદવા માટે અમેરિકા પ્રસ્તાવ કરી શકે છે. જો કે ભારતીય કંપનીઓ ઇરાનના ઉંચા સલ્ફરવાળા ક્રૂડ તેલનું પ્રોસેસીંગ  વધારે કરવાનું પસંદ કરે છે. અમેરિકાનું ક્રૂડ તુલનાત્મક રીતે હલકું અને ઓછાં સલ્ફરવાળું હોય છે. 
ચીન અને અમેરિકા વચ્ચે ગયા શુક્રવારથી ટેરિફ યુધ્ધનો આરંભ થયો છે. 34 અબજ ડોલરની ચીજવસ્તુઓ ઉપર ટેરિફ વધારવામાં અમેરિકાએ આગેવાની લેતા ચીને પણ વળતા પગલારુપે ટેરિફ વધારીને યુધ્ધને સમર્થન આપ્યું છે. હવે ટ્રમ્પ વધુ 500 અબજ ડોલરના સામાન ઉપર ટેરિફ વધારવાની ધમકી ચીનને આપી રહ્યા છે ત્યારે ચીને અમેરિકાની વિરુધ્ધમાં ડબલ્યુટીઓમાં ફરિયાદ નોંધાવી દીધી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer