ભારતીય રેલવેની પ્રથમ ડબલ કન્ટેનર ટ્રેનનું રાજકોટથી પ્રસ્થાન

 
રાજકોટ, તા .7 : ભારતીય રેલવેની સર્વપ્રથમ ડબલ કન્ટેનર ટ્રેનનું આજે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી ડી. આર. એમ. પી. બી. નિનાવેએ પ્રસ્થાન કરાવ્યુ એ સાથે હવે જામનગર-બાન્દ્રા ડબલ ડેકર ટ્રેન પણ ટૂંક સમયમાં શરૂ થાય તેવી આશા જાગી છે.
ડબલ કન્ટેનર ટ્રેન આજે સવારે 11 વાગ્યે રાજકોટ સ્ટેશનથી રવાના કરાઈ હતી, પોલી પ્રોપલીન ગ્રેનુલ્સથી ભરેલી આ માલવાહક ટ્રેનમાં કુલ 82 કન્ટેનર્સ હતા, જામનગરથી આશરે 27 કિલોમીટર દૂર કાનાલૂસ સ્થિત રીલાયન્સ રેલ સાઈડીંગથી હરિયાણા રાજ્યના રેવાડી માટે બૂક કરવામાં આવી હતી.
રેલવેને આ ડબલ સ્ટેક્ડ ડ્વાર્ફ કન્ટેનર સર્વિસ ટ્રેન ચલાવવા માટે એક વખતના રૂ.18.50 લાખ આવક થઈ છે, હાલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની રાજકોટ ડિવિઝનમાં દર મહિને બે થી ત્રણ આવી ટ્રેન બૂક કરવાની યોજના છે, જે ભવિષ્યમાં વધી પણ શકે છે.
ડબલ કન્ટેનરમાં 30,500 કિલોગ્રામ સામાન લોડ કરી શકાય છે. સામાન્ય કન્ટેનર કરતા આ ટ્રેનના કન્ટેનરમાં 67 ટકા વધારે વોલ્યુમ ક્ષમતા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer