ચીનનાં વધુ વિમાનોની ભારતમાં ઉડ્ડયન માટેની વિનંતી નકારાઈ


મુંબઇ, તા.7 : ચીનના વધુ વિમાનો ભારતમાં ઉડી શકે તે માટે ચીને કરેલી વિનંતીને ભારતે નકારી કાઢી છે. ભારતની વિવિધ એરલાઇનોએ વિરોધ કરતા ભારતે ચીનને ના ભણી દીધી છે. ઇન્ડિગો, જેટ એરવેઝ, સ્પાઇસ જેટ અને ગો એર સાથે એર ઇન્ડિયાએ એકત્ર થઇને ઉડ્ડયન મંત્રાલય સમક્ષ ભારે વિરોધ નોંધાવ્યો હતો. વડાપ્રધાન જૂનમાં ચીનની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાંના વિમાનોની વધુ ફ્લાઇટો ભારતમાં ઉડી શકે તે માટે પ્રસ્તાવ કર્યો હતો.
બન્ને દેશો વચ્ચે વધુ ફ્લાઇટો ઉડે અને તે માટે હક્ક મળે તે માટે પ્રસ્તાવો હતા. જોકે ભારતીય એરલાઇન્સ કંપનીઓએ તેનો વિરોધ ઉઠાવ્યો છે. એનાથી બિઝનેસ ઉપર ખતરો હોવાનું માલૂમ પડયું છે. પ્રવર્તમાન સમયે અઠવાડિયે બન્ને દેશો તરફથી 42 ફ્લાઇટોની આવ જા ક્વોટા પ્રમાણે થઇ શકે છે. ચીન 93 ટકા ક્વોટાનો ઉપયોગ અત્યારે પણ કરે છે. જ્યારે ભારતીય કંપનીઓ ફક્ત 12 ટકા ક્વોટાનો ઉપયોગ કરે છે. જોકે હવે સ્પાઇસ જેટ, ઇન્ડિગો અને વિસ્તારા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પણ શરૂ કરવાની છે. આ અગાઉ કતાર અને દુબઇની ફ્લાઇટો માટે પણ ભારતીય કંપનીઓ વિરોધ કરી ચૂકી છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer