અંધેરીની ઘટનાથી પાલિકાની ઊંઘ ઊડી


ગ્રાંટ રોડ, મુંબઈ સેન્ટ્રલ, મહાલક્ષ્મી, એલ્ફિન્સ્ટન રોડ, લોઅર પરેલ અને દાદરના પુલ ફરી બંધાશે

મુંબઈ, તા.7 : તાજેતરમાં અંધેરી રોડ ઓવરબ્રિજની ઘટના બાદ પાલિકા હવે બ્રિટિશ સમયમાં બંધાયેલા છ બ્રિજને ફરી બાંધશે. પશ્ચિમ રેલવેએ નક્કી કરેલા આ છ બ્રિજ- ગ્રાંટ રોડ, મુંબઈ સેન્ટ્રલ, મહાલક્ષ્મી, એલફિન્સ્ટન રોડ, લોઅર પરેલ અને દાદર સ્ટેશનમાં છે. તેમ જ આ ઘટના પછી લાંબા સમયથી બાકી હોય એવા બાંધકામોના કામને પણ પાલિકાએ મંજૂરી આપી છે. 
પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પુલો જૂના છે અને મજબૂત છે પણ ગર્ડરમાં સમસ્યા છે. જોકે હવે સંપૂર્ણ પુલોને જ ફરી બાંધવામાં આવશે. ટોચની પ્રાથમિકતાને ધોરણે આ કામ હાથે ધરશે. પાલિકા કમિશનર અજોય મહેતાના નેજા હેઠળની જોઈન્ટ મિટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. પાલિકા, રેલવે અને આઈઆઈટી દ્વારા 445 બાંધકામોની સમીક્ષા કરવા માટે 12 ટીમની રચના કરવામાં આવી છે. 
પાલિકાએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે, દાદરના તિલક બ્રિજ અને એલફિન્સ્ટન બ્રિજની સમીક્ષા પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે. તપાસ બાદનો રિપોર્ટ ચાર મહિનામાં કરવાનો રહેશે. 
પાલિકા અને રેલવેની મિટિંગ પણ યોજાશે, જેમાં પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે અને પાલિકાના એન્જિનિયર્સ અધિકારી હશે. દરમિયાન મધ્ય રેલવેએ કારનેક બંદર બ્રિજ, ભાયખલા બ્રિજ, સાયન ઓવરબ્રિજ, રે રોડ ઓવરબ્રિજ અને ચુનાભટ્ટી બ્રિજની સમીક્ષા કરશે, કેમ કે આ દરેક બ્રિજ બ્રિટિશ સમયે બંધાયેલા છે. પુન:બાંધકામ કરવું અથવા રિપેરિંગ કરવું એ તપાસ પછી નક્કી થશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું.
સલામતીના હેતુથી ઓવરબ્રિજ ઉપરનો લોડ ઓછો કરવો જોઈએ : ભારતીય રેલવે
દરમિયાન અંધેરીની ઘટના બાદ ભારતીય રેલવેએ પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે સહિતના દરેક ઝોનલ રેલવેને આદેશ આપ્યો છે કે એવા સ્ટીલ અથવા અન્ય મટિરિયલનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી બ્રિજ ઉપરનો લોડ ઓછો થાય. તેમ જ ભારતીય રેલવેએ દરેક ઝોનલ રેલવેના જનરલ મેનેજર્સને આદેશ આપ્યો છે કે તેઓ ઓવરબ્રિજ, ફૂટઓવરબ્રિજ સહિતના દરેક બ્રિજની તપાસ કરવામાં આવે. ઉપરાંત બ્રિજોના બહુધારણ (કેન્ટિલિવર) ભાગની સમયસર તપાસ થવી જોઈએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer