ચોમાસું બેસતાં જ મુંબઈ બેહાલ

ચોમાસું બેસતાં જ મુંબઈ બેહાલ

આગામી બે દિવસ પણ મુશળધાર વરસાદની આગાહી : થાણેમાં બેનાં મોત : તળમુંબઈમાં છેલ્લા 12 કલાકમાં
157 અને પરાંમાં 64.4 મિમી વરસાદ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મુંબઈમાં આજે ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરવાની સાથે  મુંબઈને ધમરોળી નાખ્યું હતું. ગુરુવારે ચોમાસા પૂર્વેનાં ઝાપટાં બાદ શુક્રવારે રાતથી જોરદાર વરસાદ પડવાનું ચાલુ થયું હતું. શનિવારે તો મેઘરાજાએ ઝંઝાવાતી બેટિંગ કરતાં મુંબઈની ગતિ મંદ પડી હતી. મોસમ વિભાગે જાહેર કર્યું હતું કે મુંબઈમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન ખાતાએ આગામી બે દિવસમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી કરતાં મુંબઈમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવારે સતત પડી રહેલા વરસાદને લીધે મધ્ય રેલવે 40 મિનિટ અને પશ્ચિમ અને હાર્બર લાઈન 15-20 મિનિટ મોડી દોડતી હતી. દાદર, સાયન, હિંદમાતા વગેરે જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પોટહોલે પણ મોટિરસ્ટોની મુશ્કેલી વધારી હતી.  ઝાડ તૂટવાની ઘટના પણ અનેક સ્થળે નોંધાઈ હતી. એરપોટ અધિકારીએ માહિતી આપી હતી  કે બે ફ્લાઇટને ખરાબ હવામાનને લીધે બીજે વાળવામાં આવી હતી. જેટ એરવેઝના અધિકારીએ કહ્યું હતું કે ખરાબ હવામાનને લીધે થયેલા ઍર ટ્રાફિકના ભરાવાને લીધે અમે ફ્લાઇટ 40 મિનિટ મોડી પડે એવી અપેક્ષા રાખીએ છીએ. પ્રભાદેવીમાં વીર સાવરકર માર્ગ સ્થિત મકાનનો સ્લેબ તૂટી પડતાં ચાર જણને ઈજા થઈ હતી.  
 થાણેમાં વરસાદે બે જણનો ભોગ લીધો હતો. થાણેના ઘોડબંદર રોડ પર એક અકસ્માતમાં 22 વર્ષની યુવતીનું મરણ થયું હતું. પ્રીયંકા ઝેંડે લોકમાન્ય નગરમાં રહે છે. તે તેની સહેલી સંઘવી બોકાડે સાથે ટુ વ્હીલરમાં વરસાદની મજા લેવા બહાર નીકળી હતી. ઘરે પાછા ફરતી વખતે તેને સામેથી  આવતું ટેન્કર દેખાયું નહીં. ટુ વ્હીલર ટેન્કર સાથે અથડાતાં પાછળ બેસેલી પ્રીયંકા ટેન્કર નીચે  આવી.  જેના માથા પરથી ટેન્કરનું પૈડું ફરતાં તેનું ઘટનાસ્થળે મૃત્યું થયું. જોકે ટુ વ્હીલર ચલાવતી  સંઘવીએ હેલ્મેટ પહેરી હોવાથી તેને કંઇ થયું નહીં. થાણેમાં મુશળધાર વરસાદે જોરદાર સેન્ચૂરી મારી હતી. ભાઇંદરના ઉત્તાણમાં  66 વર્ષનો માછીમાર સ્ટેની એડમાની પર વીજળી પડતાં તે ઘટનાસ્થળે મૃત્યુ પામ્યો  હતો. એ સમયે ખુલ્લામાં રહેલા બીજા છને વીજળી પડવાથી ઈજા થઈ હતી. 
મુંબઈમાં હિંદમાતા, ધારાવી,  પરેલ  ટીટી અને સાયન રોડ, કિંગ્સ સર્કલ પર એક ફૂટથી ઓછા પાણી ભરાયાં હતાં. પાલિકા આયુક્ત અજોય મહેતાએ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયું છે કે નહીં એનું નિરીક્ષણ કર્યું હતું. 11 જગ્યાએ પાણી ભરાયાંના અહેવાલ હતા. સુધરાઈના 3000 કર્મચારીઓને પાલિકાએ કામે લગાડયા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer