ભારત-ચીનના સંબંધો વિશ્વને શાંતિની પ્રેરણા સમાન : મોદી

ભારત-ચીનના સંબંધો વિશ્વને શાંતિની પ્રેરણા સમાન : મોદી

એસસીઓ સમિટના પહેલા દિવસે વડા પ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ ઝિનપિંગ વચ્ચે થઈ બેઠક 
 
કિંગદાઓ, તા. 9 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચીનના કિંગદાઓ શહેરમાં ચીની પ્રમુખ શી ઝિનપિંગ સાથે વાતચીત કરી હતી. જેમાં બંને નેતાઓએ દ્વિપક્ષિય સબંધો મામલે ચર્ચા કરી હતી. કિંગદાઓમાં બેઠક પહેલા મોદી અને ઝિનપિંગ ઉષ્માભેર મળ્યા હતા. મોદીએ પોતાના સબોંધનમાં કહ્યું હતું કે, ભારત અને ચીન મજબુત અને સ્થિર સબંધોથી દુનિયાને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. આ સાથે મોદીએ વુહાન શહેરમાં થયેલી અનઔપચારિક વાતચીતને પણ યાદ કરી હતી. હવે આવતીકાલે 10મી જુનના રોજ એસસીઓની મુખ્ય શિખર મંત્રણા કરવામાં આવશે. 
વુહાનમાં યોજાયેલી અનઔપચારિક બેઠકના 6 અઠવાડીયા બાદ ફરી એક વખત મોદી અને ઝિનપિંગે મુલાકાત કરીને સબંધો મજબુત બનાવવાનો પ્રયાસ કર્યો છે. મોદી ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. આ બેઠકમાં વૈશ્વિક પડકારોથી લઈને આતંકવાદના અલગ અલગ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત મોદી અને ઝિનપિંગ વચ્ચે વેપાર અને રોકાણના ક્ષેત્રમાં સબંધો મજબુત કરવાના રસ્તા શોધવા અને દ્વિપક્ષિય સહયોગની સમીક્ષા કરવામાં આવે તેવી પણ શક્યતા છે.આ ઉપરાંત એસસીઓમાં આતંકવાદ અને કટ્ટરવાર સામે જંગ માટે સહયોગ વધારવાની નક્કર કાર્યવાહી માટે વિચાર વિમર્શ કરવામાં આવશે. મોદી શનિવારના રોજ બપોરે ચીનના કિંગદાઓ શહેરમાં પહોંચ્યા હતા અને અલગ અલગ દેશોના પ્રતિનિધીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષિય બેઠક કરવામાં આવી હતી. ગયા વર્ષે ભારત અને પાકિસ્તાનને શાંઘાઈ સહયોગ સંગઠનના પૂર્ણ સભ્ય બનાવવામાં આવ્યા બાદ પહેલી વખત ભારતીય વડાપ્રધાન મોદી વાર્ષિક સંમેલનમાં હાજર રહ્યા છે. બેઠકમાં ઈરાન ઉપર અમેરિકી પ્રતિબંધ બાદ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમર્થન મામલે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. શાંઘાઈ સહયોગ સંગઠનની સ્થાપના 2001માં થઈ હતી. જેનો હેતુ સરહદના વિવાદનું નિરાકરણ, આતંકવાદ સામે લડાઈ, ક્ષેત્રીય સુરક્ષા વધારવી અને મધ્ય એશિયામાં અમેરિકાના વધતા પ્રભાવ ઉપર રોક સામેલ છે. આ સંગઠનમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, કજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તજાકિસ્તાન સામેલ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer