ફોર્ટના કોઠારી મેન્શનમાં ભયાનક આગ બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડતાં ફાયર બ્રિગેડના બે જવાનોને ઇજા

ફોર્ટના કોઠારી મેન્શનમાં ભયાનક આગ બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડતાં ફાયર બ્રિગેડના બે જવાનોને ઇજા

મુંબઈ, તા. 9 (પીટીઆઇ) : દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં લાઇટ અૉફ એશિયા તરીકે ઓળખાતી કોઠારી મેન્શન નામની ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ તેનો કેટલોક હિસ્સો તૂટી પડયો હતો. આગ બુઝાવવા પ્રયાસરત બે ફાયરમૅન આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હોવાનું એક અધિકારીએ કહ્યું હતું. 
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા પ્રમાણે ફોર્ટના મિન્ટ રોડ પર છેલ્લા પાંચ વર્ષથી ખાલી પડેલી આ જૂની અને જર્જરિત હેરિટેજ બિલ્ડિંગમાં પરોઢિયે ચાર વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે ભયાવહ સ્વરૂપ લીધું હતું. ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવી રહી હતી ત્યારે સવારે જ આ બિલ્ડિંગનો દક્ષિણ તરફનો કેટલોક ભાગ તૂટી પડતાં ફાયર બ્રિગેડના બે જવાનોને ઇજા પહોંચી હતી.
ફાયર બ્રિગેડના આ બંને ઇજાગ્રસ્ત જવાનો સુહાસ માને અને સુધીર દેવલેકરને પાલિકા સંચાલિત નાયર હૉસ્પિટલના ટ્રોમા કૅર સેન્ટરમાં સારવાર અપાઇ રહી છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું ફાયર બ્રિગેડ તરફથી જણાવાયું હતું. આ અકસ્માતમાં માનેને ડાબા પગ અને હાથમાં જ્યારે દેવલેકરને માથામાં ઇજા થઇ હતી. બિલ્ડિંગનો હિસ્સો પડવાના કારણે આ બંને જવાનો આગ બુઝાવવાના કામમાં જોતરાયેલી ફાયર બ્રિગેડની એરિયલ સિડીના પાંજરામાં ફસાઇ ગયા હતા અને તત્કાળ તેમને આવી બીજી સિડીની મદદથી બચાવી લેવાયા હતા. આ અકસ્માતના કારણે એરિયલ સિડીના પ્લૅટફૉર્મ અને એક ફાયર એન્જિનને પણ ખાસ્સું નુકસાન પહોંચ્યું હતું. 
જોકે સદ્નસીબે આ બિલ્ડિંગમાં આગના સમયે કોઇ નહોતું તેથી કોઇ જાનહાનિ થઈ નથી અને બિલ્ડિંગનો હિસ્સો તૂટી પડયા બાદ સલામત અંતરે રહીને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી ભયાવહ હતી કે ફાયર બ્રિગેડના 16 ફાયર એન્જિન કામે લગાવાયાં હતાં. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે આગ કયા કારણોસર લાગી હતી તેની તપાસ ચાલી રહી છે.      

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer