મુંબઈ મેટ્રોની સફરનાં ચાર વર્ષ પૂર્ણ

મુંબઈ મેટ્રોની સફરનાં ચાર વર્ષ પૂર્ણ

મુખ્ય પ્રધાનના હાથે `સ્કીપ ક્યુ' ટિકિટિંગ પ્રોડક્ટ લોન્ચ કરાઇ
 
મુંબઈ, તા. 9 : મુંબઈનાં પશ્ચિમી પરાં વિસ્તારને પૂર્વનાં પરાં વિસ્તાર સાથે જોડતી મેટ્રો વન યોજનાના લોકાર્પણને ગૌરવવંતાં ચાર વર્ષ પૂર્ણ થયાં. આ પ્રસંગે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમોટેડ મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (એમએમઓપીએલ)ના વર્સોવા સ્ટેશને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મેટ્રોનો પ્રવાસ સરળ કરવા માટે કેટલીક યોજનાઓ શરૂ કરાઇ હતી.
અગાઉ મુંબઈગરાઓને પૂર્વથી પશ્ચિમી પરાં વચ્ચે આવ-જા કરવી હોય તો વાયા દાદરથી લોકલ ટ્રેનમાં કે બેસ્ટની બસમાં કે કાર, ટૅક્સી અને રિક્ષામાં લગભગ કલાકનો સમય સહેજમાં નીકળી જતો હતો, પરંતુ મેટ્રો વન શરૂ થવાથી પશ્ચિમી પરાં વિસ્તારના કેન્દ્ર અંધેરીથી પૂર્વનાં પરાં વિસ્તારના કેન્દ્ર ઘાટકોપર સુધીની મુસાફરી માત્ર વીસ મિનિટમાં જ શક્ય બની છે. મેટ્રોમાં અત્યાર સુધીમાં લગભગ 40 કરોડ લોકો પ્રવાસ કરી ચૂકયા છે. 
ફડણવીસે આજે `માઝી મેટ્રો આર્ટ ટ્રેન'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેટ્રો આર્ટ ટ્રેનમાં આ વર્ષમાં યોજાયેલા કાર્યક્રમોમાં એવૉર્ડ વિજેતા પેન્ટિંગ્સ, કવિતાઓ અને ફોટોગ્રાફ્સને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ દેશમાં પ્રથમવાર મોબાઇલ મેટ્રો ટિકિટિંગ માટેની `સ્કીપ ક્યુ' નામની પ્રોડક્ટ લોન્ચ કરી હતી. આ પ્રોડક્ટના માધ્યમથી મેટ્રોના પ્રવાસીઓ પોતાના મોબાઇલ ફોન પર ક્યુઆર કૉડ જનરેટ કરીને ટિકિટ મેળવી શકશે અને ટિકિટ માટે લાંબી કતારોમાં તેમને ઊભવું નહીં પડે. આ પ્રસંગે મુખ્ય પ્રધાનના હાથે મુંબઈ મેટ્રોની ચાર વર્ષની સફરને આવરી લેતી તસવીરી ઝલક ધરાવતી એક કૉફી ટેબલ બુકનું લોકાર્પણ પણ કરાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer