સિંધરોટની મહિસાગર નદીમાં પિતા-પુત્રનો આપઘાત

સિંધરોટની મહિસાગર નદીમાં પિતા-પુત્રનો આપઘાત

અમારા પ્રતિનિધિ તરફથી  
વડોદરા, તા. 9 : આર્થિક સંકડામણને લઈને આત્મહત્યાના વધી રહેલા બનાવોમાં આજે વધુ એક બનાવ બનવા પામ્યો હતો. ટયુશન કલાસ ચલાવતા 38 વર્ષીય પિતાએ પોતાના પુત્રને સાથે લઈને સિંધરોટ ખાતેના ચોકારીપુરા ગામના મહિસાગર નદીના તટ ખાતે પહોંચી નદીમાં  ઝંપલાવી મોત વહાલું કર્યું હતું. ગત મોડીરાત્રે નદીમાંથી પિતા-પુત્રનો મૃતદેહ તાલુકા પોલીસને મળી આવતા પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સયાજી હૉસ્પિટલમાં લાવામાં આવ્યો હતો. 
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ગોરવા ખાતે કૃષ્ણાશ્રેય સોસાયટીમાં રહેતા અને ટયુશન કલાસ ચલાવતા હરીશભાઈ પરસોત્તમદાસ પરમાર ઉ.વ.38 તેમનાં પત્ની અને પુત્ર સમર્થ પરમાર ઉ.વ.13 સાથે રહેતા હતા. હરીશભાઈ પરમાર પંચવટી ખાતે ટયુશન કલાસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે પુત્ર સમર્થ ધો.7મા ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો. 
હરીશભાઈ પરમારને દેવું વધી જતાં આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. જેથી તેઓ ઘણા સમયથી વ્યાકુળ રહેતા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer