માર્ગની વચ્ચોવચ્ચ ગટરનું ખુલ્લું ઢાંકણું : બીએમસીએ એફઆઈઆર નોંધાવી

માર્ગની વચ્ચોવચ્ચ ગટરનું ખુલ્લું ઢાંકણું : બીએમસીએ એફઆઈઆર નોંધાવી

મુંબઈ, તા. 9 : મધ્ય મુંબઈના માર્ગની વચ્ચે ગટરના ખુલ્લાં ઢાંકણાં (મેનહોલ)થી ઊભા થયેલા ખતરાને પગલે ટીકાપાત્ર બનેલી બીએમસીએ આ બાબતમાં શુક્રવારે એફઆઈઆર નોંધી હતી.
ગુરુવારે રવિ પાટીલ નામના શખસે માટુંગાના ફાઈવ ગાર્ડન નજીક શ્રીનિવાસ બિલ્ડિંગની સામે જગાદેવ નારાયણ વર્મા બસસ્ટોપ પાસે ગટરનું એક ખુલ્લું ઢાંકણું જોયું હતું. આ મેનહોલ બરોબર રસ્તાની વચ્ચે હતો અને વાહનચાલકો માટે ખતરારૂપ બન્યો હતો. પાટીલ અને તેના સાથીદારે 101 અને 1916 સહિતની ઘણી હેલ્પલાઈનો પર બીએમસીનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, જ્યારે બીએમસી તરફથી કોઈ પણ આવ્યું નહોતું ત્યારે પાટીલ અને તેના સાથીએ મેનહોલ પર ઢાંકણું બેસાડી દીધું હતું.
બીજા દિવસે આની નોંધ લઈને બીએમસીએ માટુંગા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી, એમ એફ નોર્થ વૉર્ડ (માટુંગા-કિંગ્સ સર્કલ)ના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે બીએમસીના કર્મચારીઓ કે બીએમસીના સત્તાવાળાઓ સિવાય કોઈને પણ મેનહોલનાં ઢાંકણાં ખોલવાની છૂટ નથી. આ બાબત તરફ જોતાં એવું લાગી રહ્યું છે કે કોઈએ શંકાસ્પદ રીતે મેનહોલનું ઢાંકણું ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વજનદાર હોવાથી તેને અધવચ્ચે પડતો મૂકી દીધો હતો. અમે એફઆઈઆર નોંધી છે અને પોલીસ હવે આ બનાવની તપાસ કરશે, એમ આસિસ્ટન્ટ મ્યુ. કમિશનર કેશવ ઉબાલેએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer