એસટીના કર્મચારી સંગઠનોનું કામ બંધ આંદોલન રાઉત સાથે બેઠક બાદ પરત ખેંચી લેવાયું

એસટીના કર્મચારી સંગઠનોનું કામ બંધ આંદોલન રાઉત સાથે બેઠક બાદ પરત ખેંચી લેવાયું

મુંબઈ, તા. 9 : આઠ જૂને મધરાતથી એસટીના કર્મચારીઓએ અચાનક કામ બંધ આંદોલન શરૂ કર્યું હતું જે આજે પરિવહન પ્રધાન દિવાકર રાઉત સાથેની બેઠક બાદ મોડી રાત્રે પાછું ખેંચી લેવાયું હતું. કર્મચારીઓના આ આંદોલનના કારણે આજે દિવસભર રાજ્યભરના કેટલાય એસટી ડેપોમાંથી બસો બહાર જ ન નીકળતાં હજારો પ્રવાસીઓ પરેશાન થયા હતા. 
પગારવધારા સહિતની માગણીઓ માટે એસટીના કર્મચારીઓએ આ આંદોલન છેડયું હતું. એસએસસીનું પરિણામ બહાર પડયું અને ઉનાળુ વૅકેશન ખૂલવાનો સમય નજીકમાં હોવાથી શહેરમાં રહેતા અને પોતાના વતનમાં ગયેલા કેટલાય લોકોને ઘરે પરત ફરવામાં હાલાકીનો સામનો કરવો પડયો છે. 
દરમિયાન આજે એસટી મહામંડળના વ્યવસ્થાપક રણજિતસિંહ દેઓલ અને એસટી કર્મચારી સંગઠનો વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ રહ્યા બાદ મોડી સાંજે રાજ્યના પરિવહન પ્રધાન દિવાકર રાઉત સાથે કર્મચારી સંગઠનોની બેઠક થઇ હતી અને તેમણે આશ્વાસન આપ્યા બાદ આંદોલન પાછું ખેંચી લેવાયાની જાહેરાત એસટી કર્મચારી સંગઠનોએ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer