ફ્રેન્ચ ઓપન : સિમોના હાલેપ ચૅમ્પિયન

ફ્રેન્ચ ઓપન : સિમોના હાલેપ ચૅમ્પિયન

અમેરિકાની સ્લોઅન સ્ટીફંસને 3-6, 6-4, 6-1થી હરાવી
 
પેરિસ, તા. 9 : રોમાનિયાની સિમોના હાલેપે અમેરિકાની સ્લોઅન સ્ટીફંસને હરાવીને ફ્રેંચ ઓપન મહિલા એકલ ખિતાબ પોતાના નામે કર્યું છે. શનિવારના રોજ રમાયેલા ફાઈનલ મુકાબલામાં હાલેપે 3-6, 6-4, 6-1થી જીત મેળવી હતી અને કારકિર્દીનું પહેલું ગ્રાન્ડ સ્લેમ કબ્જે કર્યું હતું. 
મેચની શરૂઆતમાં અમેરિકી ખેલાડી સ્લોઅન સ્ટીફંસ હાલેપ ઉપર હાવી રહી હતી. જેના પરિણામે ટેનિસમાં પહેલો ક્રમાંક ધરાવતી રોમાનિયાની સિમોના હાલેપે પહેલા સેટમાં હારનો સામનો કરવો પડયો હતો. 10માં ક્રમાંકની ખેલાડી સ્ટીફંસે દમદાર રમત બતાવતા પહેલો સેટ 6-3થી પોતાના નામે કરી લીધો હતો. બીજા સેટના શરૂઆતમાં પણ સિમોના હાલેપ પાછળ ચાલી રહી હતી. જો કે શાનદાર વાપસી કરતા બીજો સેટ 6-4થી જીતીને હાલેપે સ્ટીફંસની બરોબરી કરી હતી. જ્યારે ત્રીજા સેટમાં હાલેપે જીતનો નિશ્ચય કર્યો હોય તેમ શરૂઆતથી જ પોતાના અનુભવનો ઉપયોગ કર્યો હતો અને સ્ટીફંસને કોઈ મોકો આપ્યો નહોતો.  આ સાથે 5-0ની સરસાઈ મેળવી લીધી હતી. બીજી તરફ સ્ટીફંસે મુકાબલો કરતા હાલેપની જીતની રાહ થોડી લંબાવી હતી. જો કે હાલેપે છેલ્લે સર્વિસ જીતીને ગેમ, સેટ અને મેચ પોતાના નામે કરી લીધા હતા. આ અગાઉ દુનિયાની નંબર વન ખેલાડી હાલેપને ત્રણ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો. જેમાંથી બે ફ્રેન્ચ ઓપનની જ ફાઈનલ હતી. જો કે હવે શાનદાર રમતની મદદથી ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ મેળવી લીધું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer