ફિફા વિશ્વકપનું થીમ સોંગ રિલીઝ : એક કલાકમાં 70 હજારથી વધુએ નિહાળ્યું

ફિફા વિશ્વકપનું થીમ સોંગ રિલીઝ : એક કલાકમાં 70 હજારથી વધુએ નિહાળ્યું

અમેરિકી ગાયક નિકી જૈમે યુ-ટયૂબ પર લોન્ચ કર્યું
 
મોસ્કો, તા. 9 : ફિફા વિશ્વ- કપનું 21મું સંસ્કરણ 14મી જૂનથી રશિયામાં શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વભરમાં સર્જાઈ રહેલા રોમાંચ વચ્ચે ફૂટબોલ વિશ્વકપ માટે સત્તાવાર ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિફા વર્લ્ડકપ-2018ના ઓફિશિયલ  સોંગનો વીડિયો શુક્રવારે અમેરિકાના પ્રસિદ્ધ ગાયક નિકી જૈમે પોતાની યુ-ટયૂબ ચેનલ પર પોસ્ટ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર આ ગીતને અપલોડ કર્યાના એક જ કલાકમાં 70 હજારથી વધુ લોકો તેને નિહાળી ચૂક્યા છે. ફિફા વિશ્વકપ માટે આ ગીતને અમેરિકાના પ્રસિદ્ધ ડીજે અને ગીતકાર ડિપ્લોએ બનાવ્યું છે. આ ગીતને અમેરિકાના પ્રસિદ્ધ કલાકાર નિકી જૈમ અને અલ્બેનિયન સિંગર એરા ઈસ્તરેફીએ પોતાના અવાજથી સજાવ્યું છે.
આ બંને સાથે આ ગીતમાં બ્રાઝિલની નેશનલ ફૂટબોલ ટીમના પૂર્વ સ્ટાર ફૂટબોલર રોનાલ્ડિન્હો ઉપરાંત અભિનેતા વિલ સ્મિથ પણ નજરે પડે છે.
બતાવાઈ રહ્યું છે કે 15 જુલાઈના લુઝનિકી સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડકપ-2018ની ફાઈનલમાં આ સિતારાઓ એક સાથે આ જ થીમ સોંગ હજારો પ્રશંસકોની સામે ગાશે.
ઉલ્લેખનીય છે કે 14 જૂનથી 15 જુલાઈ સુધી ફિફા વિશ્વકપ-2018 રશિયામાં રમાશે. આ વખતે આ વિશ્વકપમાં કુલ્લ 32 ટીમ ભાગ લઈ રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer