ભારતીય ટીમ મહિલા એશિયા કપની ફાઈનલમાં

ભારતીય ટીમ મહિલા એશિયા કપની ફાઈનલમાં
 
લો સ્કોરિંગ મૅચમાં પાકિસ્તાન સામે સરળ જીત
 
ક્વાલા લ્મપુર, તા. 9 : ભારતે મહિલા એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં પાકિસ્તાનને લો સ્કોરિંગ મેચમાં 7 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પાકિસ્તાનની ટીમના સ્કોર ઉપર 7 વિકેટે 72 રને બ્રેક લાગ્યા બાદ ભારતે 23 બોલ બાકી રહેતા 3 વિકેટ ગુમાવીને નિશ્ચિત લક્ષ્યાંક પાર પાડયું હતું.
મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય ભૂલભર્યો સાબિત થયો હતો અને માત્ર બે જ બેટધરો બે આંકડાના સ્કોરે પહોંચી શક્યા હતા. પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. જેમાં પહેલી જ ઓવરમાં શિખા પાંડેએ નૈન અબિદીને બોલ્ડ કરી દીધી હતી. ત્યારબાદ અનુજા પાટિલે ત્રીજી ઓવરમાં કેપ્ટન બિસ્માહ મારુફને પોતે જ કેચ કરીને પેવેલિયન મોકલી હતી. આવી રીતે એક પછી એક વિકેટોનું પતન યથાવત રહેતા પાકિસ્તાન72 રનનો સ્કોર બનાવી શક્યું હતું. ભારત તરફથી એકતા બિષ્ઠે 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે શિખા પાંડે, અનુજા પાટિલ, પૂનમ યાદવ અને દીપ્તિ શર્માએ 1-1 વિકેટ ખેડવી હતી. ભારતે આ મામલે લક્ષ્યાંકને માત્ર 16.1 ઓવરમાં જ મેળવી લીધું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાના 38 રન બનાવીને અને કેપ્ટન હરમનપ્રીત કૌર 34 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. જીત સાથે ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer