મરિન ડ્રાઇવ રોડ પર યુગલના જાહેરમાં અશ્લીલ ચેનચાળા!

 
પોલીસ આવ્યા બાદ વિદેશી પુરુષ નાસી ગયો, મહિલાને સુધારગૃહમાં મોકલાઇ
 
મુંબઈ, તા.9 : મરિન ડ્રાઇવ રોડ પર શુક્રવારે સવારે ભર વરસાદમાં એક યુગલે ડિવાઇડર પર જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરતા ત્યાંથી પસાર થતાં લોકો ચોંકી ગયા હતા. પોલીસ આવ્યા બાદ આ પ્રકરણમાં વિદેશી પુરુષ નાસી ગયો હતો, જ્યારે મહિલાને સુધારગૃહમાં મોકલી આપવામાં આવી છે.
ક્વિન્સ નેકલેસ તરીકે જાણીતા મરિન ડ્રાઇવની પાળીએ પ્રેમી જોડાઓ બેસતા હોવાનું સૌ જાણે છે પરંતુ કોઇ યુગલે જાહેરમાં રોડ પર આવી અશ્લીલ હરકતો કરી હોવાનું અત્યાર સુધી નોંધાયું નથી. શુક્રવારે સવારે ઝરમર વરસાદમાં એક યુગલ મરિન ડ્રાઇવ રોડના ડિવાઇડર સુધી આવી ગયું હતું અને જાહેરમાં જ એકબીજાને ચુંબન કરવા લાગ્યું હતું. યુગલની આવી હરકતો જોઇને કેટલાંય વાહનો થોભી ગયાં હતાં અને આસપાસમાં  લોકો જમા થવા લાગ્યા હતા. 
બાદમાં આ યુગલે મર્યાદા મૂકીને જાહેરમાં જ અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું. કેટલાય લોકોએ મોબાઇલ ફોનથી આ ઘટનાના ફોટા લીધા હતા અને વીડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં મૂકી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસવૅન આવી પહોંચી હતી. પોલીસ આવ્યા બાદ વિદેશી પુરુષ નાસી ગયો હતો જ્યારે મહિલાને સુધારગૃહમાં મોકલી આપી હતી.  
શુક્રવારે સવારની આ ઘટનામાં સુધારગૃહમાં મોકલાયેલી 30 વર્ષની ભારતીય મહિલા અસ્થિર મગજની હોવાનું બહાર આવ્યું છે. નાયબ પોલીસ કમિશનર મનોજકુમાર શર્માએ જણાવ્યું હતું કે આ મહિલા અસ્થિર મગજની હોવાનું જણાઇ રહ્યું છે. પોલીસની પૂછપરછમાં તે ક્યાંની છે, સરનામું, કોઇ સંબંધી કે ટેલિફોન નંબર સહિતની વિગતો પણ આપી શકી નહોતી. જ્યારે વિદેશી પુરુષ નાસી ગયો હતો.
શર્માએ જણાવ્યું હતું કે પહેલા તેણે પોલીસને પૂછપરછમાં કહ્યું હતું કે તે ગોવાની છે, પોલીસે ગોવા પોલીસનો સંપર્ક કરતા આ મહિલાએ કહ્યાં પ્રમાણેનું ઠેકાણું ખોટું નીકળ્યું હતું. બાદમાં પોલીસે પૂછપરછ કરતા આ મહિલાએ અન્ય સરનામું કહ્યું હતું અને વાતચીતમાં તે અસ્થિર મગજની હોવાનું જણાયું હતું. મહિલા પોલીસે તેને કપડાં પહેરવાનું કહ્યું તો તેણે ઇનકાર કર્યો હતો. બાદમાં તેને ચેમ્બુરમાં મહિલા સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવી હતી. પોલીસ આ મહિલા કોણ છે અને તેનું સરનામું શું છે તેની તપાસ કરી રહી છે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer