કર્ણાટકમાં ખાતાં ફાળવણીના મુદ્દે કૉંગ્રેસમાં હજી ધૂંધવાટ, અનેક ધારાસભ્ય બળવાના મૂડમાં


બેંગલુરુ તા.9: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડી(એસ)ગઠબંધનની સરકારમાં ખાતાંવહેંચણીને લઈ હજી મામલો થાળે પડયો નથી અને કોંગ્રેસના અનેક ધારાસભ્યો બળવાના મૂડમાં હોવાનું જણાય છે. બલકે ભાજપી નેતા બીએસ યેદીયુરપ્પાએ આજે દાવો કર્યો હતો કે શાસક કોંગ્રેસ અને જેડી (એસ)માંના કેટલાક અસંતુષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાવાને આતુર છે. જોઈતા ખાતાં મળી રહ્યા ન હોવાના કારણે કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોમાંના અસંતોષની પ્રવૃત્તિ તીવ્ર બની છે, તેવા ટાંકણે યેદીયુરપ્પાએ આ ટિપ્પણી કરી છે.
જેડી(એસ) અને કોંગ્રેસમાંના આ અસંતુષ્ઠોને (પક્ષમાં) સામેલ કરવા આપણી જવાબદારી છે એમ પક્ષજનોને સંબોધતાં યેદીએ જણાવી પક્ષજનોને મજબૂત વિપક્ષ તરીકે કામ કરવા અને 19ની લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જવા અનુરોધ કર્યો હતો. આ સરકાર કેટલીક ચાલશે તે જુદી વાત છે પણ સત્તા મેળવવાની લાલસા વિના 104 સભ્યોએ, સારી કામગીરી સાથે  સફળ વિપક્ષ તરીકે કાર્યરત રહેવાનું છે.
પૂર્વ સીએમ સિદ્ધરામૈયાને ચામુંડેશ્વરી બેઠકે હરાવનાર જીટી દેવગાડા તેમને અપાયેલા ઉચ્ચ શિક્ષણના ખાતાથી નારાજ છે,સીએસ પુત્તારાજુ તેમને લઘુ સિંચાઈનું ખાતું અપાયાથી નાખુશ છે, કારણ તેમને પરિવહન સહિતના મહત્વપૂર્ણ ખાતાની ઉમ્મીદ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer