એમપીની મતદાર યાદીમાં 60 લાખ બનાવટી નામ હોવાનો આરોપ નકારતું ચૂંટણી પંચ


ભોપાળ તા.9 : રાજયની મતદારયાદીમાં 60 લાખ બનાવટી નામો હોવાના કોંગ્રેસના ચકચારી આરોપને ચૂંટણી પંચે સ્પષ્ટપણે નકારી  દીધા છે. ગયા રવિવારે કોંગ્રેસના કમલનાથ, જયોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજયસિંહ, સુરેશ પચૌરી, વિવેક તનખા, દિપક બાબરિયા વ. વરિષ્ઠ નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને દિલ્હીમાં મળી દસ્તાવેજી પ્રમાણે સાથે ઉકત આરોપ મૂકયો હતો. ભોપાળના નરેલા, હોશંગાબાદ, સિવની-માળવા અને ભોજપુર વિધાનસભા બેઠકોના મતદારયાદીનો ડેટા પણ તેઓએ આપ્યો હતો.
પંચે તે અનુસંધાને તપાસ કરી, ફરિયાદનાં તથ્યો જૂની મતદારયાદીના આધારે હોવાનું જણાવ્યું. સાથે એ ય સ્પષ્ટ કર્યુ કે એકસમાન ચહેરાવાળી અનેક એન્ટ્રી હોવાના જે આરોપ છે તેની પર પંચ અગાઉથી કામ કરી રહ્યું છે. પંચના સચિવ રાહુલ શર્માએ કોંગ્રેસની ઉકત ફરિયાદનો ગઈ કાલે જવાબ દેતાં જણાવ્યું કે એકસમાન ચહેરાવાળા અનેક મતદાર, અનેક વિધાનસભા ક્ષેત્રોમાં એક જ નામ-જેવા મામલે પંચ અગાઉથી કારવાઈ કરી રહ્યું છે. અનેક લોકોના નામ એકસમાન હોઈ શકે છે, આનો મતલબ એ નથી કે કોઈ ગરબડ છે. અમે એકઠા કરેલા પુરાવા અને રજૂ કરેલા ડેટા જોતાં એ સ્પષ્ટ થાય છે કે જે દાવો કર્યો છે તે સાચો નથી. બનાવટી એન્ટ્રી થઈ છે તે જરાય સાચું નથી. એકસમાન એન્ટ્રી, લિંગ, સંબંધ, આયુ અને સમાન નામની જાંચ કરવા માટે પંચ પાસે ખાસું તંત્ર છે એમ શર્માએ જણાવ્યું હતું.
વળી રાજયની વસતિ અને મતદાતાઓની સંખ્યા સંદર્ભે કરેલા આરોપના જવાબમાં પંચે જણાવ્યુ હતું કે '08માં વસતિ અને મતદાતાનો અનુપાત 52.76 ટકા હતો તે '18માં વધીને 61.45 ટકા થઈ ગયો, તે કંઈ અસામાન્ય નથી.
દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે જણાવ્યુ છે કે પંચની સ્પષ્ટતા સાથે સંવૈધાનિક સંસ્થાઓને બદનામ કરવાની કોંગ્રેસની સાજીશ ઉઘાડી પડી ગઈ છે અને તે માફી માગે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer