ચીનમાં `ગૂઢ હથિયાર''થી અમેરિકામાં ભય


એક પછી એક રાજદ્વારીઓ બીમાર પડવા લાગતાં ફફડાટ : સોનિક વેપનનો સર્જાયો ભય
 
હોંગકોંગ, તા. 9 : અમેરિકાએ એક રહસ્યમય બીમારીને લઈને ચીન માટે `હેલ્થ એલર્ટ' જારી કરતાં બે વર્ષ બાદ ફરી એક વખત સોનિક વેપનનો ભય સર્જાયો છે. ગયા વખતે ક્યુબામાં પહેલી જ વખત આ પ્રકારની ઘટના સામે આવી હતી અને તે સમયે અમેરિકી રાજનયિકો અને તેમના પરિવારજનો થથરી ઊઠયા હતા. હવે દક્ષિણ ચીનના ગુઆંગઝાઉ શહેર સ્થિત એક રાજદૂતાવાસમાં તબીબોની એક ટુકડી ખતરનાક અવાજને કારણે બીમાર પડનારા સ્ટાફનો ઈલાજ કરી રહી છે.
કેટલાક સ્ટાફની તબિયત વધુ લથડવાથી તેમને અમેરિકા પરત બોલાવી લેવામાં આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે તેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિનો બ્રેઈન ટ્રોમાનો ઈલાજ ચાલી રહ્યો છે.
ક્યુબામાં પણ વિચિત્ર અવાજનો મામલો હજુ સુધી મેડિકલ જગત માટે એક કોયડો બનેલો છે. 2016થી અત્યાર સુધીમાં ક્યુબામાં ગંભીર રૂપથી પીડિત 24 રાજનયિકોને પરત બોલાવવામાં આવ્યા હતા.
ચીનમાં આવી ઘટના કૂટનીતિક કોયડો બનેલો છે, કેમ કે હજુ સુધી એ સમજમાં આવ્યું નથી કે આ બાબતની પ્રતિક્રિયા આપવી કઈ રીતે, અને શું તે ચીનની ધરતી પર અમેરિકીઓ વિરુદ્ધ જાણીજોઈને કરવામાં આવેલો હુમલો છે કે નહીં? 
ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, અમેરિકી અધિકારીઓએ અંગત રીતે એવા સવાલ ઉઠાવ્યા છે કે શું ચીન કે રશિયા અલગ-અલગ અથવા સાથે મળીને તેમને નિશાન બનાવી રહ્યા છે.
હજુ સુધી વોશિંગ્ટન કે બીજિંગ કોઈએ એકબીજા પર કોઈ પ્રકારનો આરોપ લગાવ્યો નથી. અમેરિકાએ પોતાના અધિકારીઓને મામલાની ઊંડી તપાસ કરવાનું કહ્યું છે. વોશિંગ્ટનમાં સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં ચીની વિશેષજ્ઞ બોની ગ્લેસરે કહ્યું હતું કે, જ્યાં સુધી સંપૂર્ણ રીતે કારણ અને મામલાને સમજી ન લેવાય ત્યાં સુધી આરોપ લગાવવા એ ઉતાવળ હશે. મને નથી લાગતું કે અમેરિકા તેને હુમલો કહેશે. જો કે, ક્યુબા કેસની તુલનામાં આ કિસ્સામાં અમેરિકાનું વલણ અલગ છે, કેમ કે એ કેસમાં અમેરિકાના વિદેશ વિભાગે હવાના પર નિશાન સાધતાં તેના પર પોતાના અધિકારીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer