ઉદ્ધવ ઠાકરેને 152 બેઠકો અને સેનાના મુખ્ય પ્રધાન જોઇએ છે


મુંબઈ, તા. 9: મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં શિવસેના 152 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખી બાકી 136 બેઠકો ભાજપને આપવા માગે છે, તદુપરાંત મુખ્ય પ્રધાનના હોદ્દા માટે પણ તે પોતાનો દાવો રજૂ કરે એવી સંભાવના છે.
નિરીક્ષકોના મતે પક્ષનો મુખ્ય પ્રધાન સત્તારૂપ કરવાના મનસુબાથી સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપ પાસે વધુ બેઠકોની માગણી કરી શકે છે. બીજી તરફ તેમને 2014ની લોકસભાની બેઠક ફોર્મ્યુલા સાથે ભાજપ સાથે જોડાવામાં હરકત નથી.
જોકે, ભાજપ સેનાની આવી માગણીને મંજૂર રાખે એવી શક્યતા નહિવત છે. દેખીતી રીતે જ રાજ્ય અને કેન્દ્રની જમીની હકીકતોને ધ્યાનમાં રાખી ભાજપના નેતાઓ હરગિજ એવું નથી ઇચ્છતા કે રાજ્યમાં તેઓ બે નંબરનો દરજ્જો ભોગવે. સેનાને કેવળ 130 બેઠકો આપવા તેઓની તૈયારી છે કારણ કે 2014 બાદ ભાજપે રાજ્ય અને ખાસ કરી ગ્રામીણ વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ સારું એવું વધાર્યું છે.
ભાજપના એક કાર્યકરે કહ્યું હતું કે અમે જિલ્લા પરિષદ તેમ જ પાલિકાની ચૂંટણીઓમાં સેના કરતાં ઘણી વધારે બેઠકો મેળવી છે. આમ નિરીક્ષકોની દૃષ્ટિએ ભાજપ સાથે લોકસભાની ચૂંટણી લડયા બાદ વિધાનસભાની ચૂંટણી એકલે હાથે લડે એવી સંભાવના વધુ વર્તાય છે. દરમિયાન સેનાના એક નેતાએ શુક્રવારે જણાવ્યું હતું કે `આગામી ચૂંટણીમાં જો ભાજપ ફરી કેન્દ્રમાં સત્તા પર આવે તો સ્વાભાવિક રીતે મહારાષ્ટ્રમાં તેની લોકપ્રિયતા વધશે અને એકલે હાથે ચૂંટણી લડવાથી અમને નુકસાન થશે.'

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer