ભારતીય પ્રોફેશનલો માટે એચ-વનબી વિઝા નીતિમાં હાલ કોઈ ફેરફાર નથી કરાયો


વરિષ્ઠ અમેરિકી રાજદ્વારી તરફથી સ્પષ્ટતા
 
નવી દિલ્હી, તા. 9 : અમેરિકાના આઈટી ક્ષેત્રમાં કામ કરતાં ભારતીય વ્યવસાયીઓ માટે વિઝા નીતિમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એમ અત્રે અમેરિકાના એક વરિષ્ઠ રાજદૂતે જણાવ્યું હતું.
ભારતમાં અમેરિકાના દૂતાવાસના વાર્ષિક સ્ટુડન્ટ વિઝા ડેની ઉજવણી પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં અમેરિકાના ડેપ્યુટી ચીફ અૉફ મિશન મેરીકે કાર્લસને જણાવ્યું હતું કે, વિઝા એ જે તે દેશની સ્વતંત્ર બાબતે છે.
ઙ્ગઙ્ઘવર્તમાન રાજકીય ફેરફારો છતાં અમેરિકાની શિક્ષણપદ્ધતિ ખુલ્લી રહી છે. ભારત અને અમેરિકા જેવા દેશો પોતાના નાગરિકોને રોજગારની તકો મળી રહે તે માટે વિઝા નીતિ ઘડતા હોય છે અને આવો સ્વતંત્ર નિર્ણય આવા દેશો લેતા હોય છે. અમેરિકા વિશ્વની સૌથી ખુલ્લી ઇમિગ્રેશન પદ્ધતિ ધરાવે છે. પ્રત્યેક વહીવટી તંત્ર તેની ઇમિગ્રેશન સિસ્ટમને વધુ સારી બનાવવાનું ઇચ્છે છે. આજે એચ-વનબી વિઝા નીતિમાં કોઈ ફેરફાર નથી એમ કાર્લસને પત્રકારોને જણાવ્યું હતું.
એચ-વનબી વિઝાધારકોના જીવનસાથીઓ માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિઝા નીતિની પુન:સમીક્ષા કરી રહ્યા છે. એવું પત્રકાર પરિષદમાં ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજે જણાવ્યાના થોડા દિવસ બાદ અમેરિકાના રાજદૂતનું આ મહત્ત્વનું નિવેદન આવ્યું છે.
31 મેના સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે, અમે ત્રણેય દિશાઓમાંથી આ વિઝાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે વાઈટ હાઉસ સાથે, અમેરિકાના વહીવટી તંત્ર સાથે ત્યાંના કૉંગ્રેસીઓ સાથે અને સેનેટરો સાથે વાતચીત કરી રહ્યા છીએ. જોકે, વિઝા એ અમેરિકાની અંગત બાબત છે.
ભારત ખાતેના અમેરિકાના દૂતાવાસે જણાવ્યું હતું કે, 2017માં અમેરિકાની શૈક્ષણિક સંસ્થાઓમાં 1,86,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.
અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 17 ટકા ભારતીય વિદ્યાર્થીઓ હોય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer