ઓમાનના તોફાનમાં પાંચ બોટની જળસમાધિ : એક ખલાસીનું મૃત્યુ

ઓમાનના તોફાનમાં પાંચ બોટની જળસમાધિ : એક ખલાસીનું મૃત્યુ
જામસલાયાની ત્રણ બોટ અને પ0 ખલાસી સંપર્કવિહોણા
જામસલાયા, માંડવી, તા. 26 : અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા `મેકુનુ' વાવાઝોડું ઓમાનના સલાલા બંદર તરફ ફંટાતાં ત્યાં ભારે ખાનાખરાબી થઈ છે અને સૌરાષ્ટ્ર-કચ્છની બોટોને પણ નુકસાન થયું છે. ચાર ભારતીય અને એક ઈરાની સહિત પાંચ બોટે જળસમાધિ લીધી છે જ્યારે જામસલાયાની નાશ પામેલી બોટના આઠ પૈકી પાંચ ખલાસી સલામત રીતે દરિયા કિનારે પહોંચી ગયા છે જ્યારે લાપતા ખલાસીઓમાંથી એક ખલાસીની લાશ મળી આવી છે. આ વાવાઝોડાંના કારણે જામસલાયાની 9 બોટને વ્યાપક નુકસાન થયું છે જ્યારે ત્રણ બોટ અને સૌરાષ્ટ્રના પ0 જેટલા માછીમારો હજી સંપર્ક વિહોણા છે.
સૌરાષ્ટ્રના સિકોતેર બંદરે ઉદ્ભવેલું વાવાઝોડું મેકુનુ ઓમાન તરફ ફંટાઈ જતાં ઓમાનના સલાલા બંદરે પહેંચ્યું હતું. જ્યાં આ મેકુનુ વાવાઝોડાંએ ખાના ખરાબી સર્જી હતી. સલાલા બંદર નજીક દરિયામાં સૌરાષ્ટ્રના અને અન્ય દેશોના વહાણો ફસાયા છે. જેમાં કચ્છના માંડવીના સલાયાનું વહાણ પણ ડૂબ્યું હતું. સાથે એક ઈરાની બોટ પણ ડૂબી હતી. જામસલાયાના આતા-એ- ખ્વાજા બોટના આઠ ખલાસીમાંથી પાંચ સલામત રીતે દરિયા કિનારે પહેંચી ગયા છે. જ્યારે ગૂમ ખલાસી હાસમ રજાક સંઘારની લાશ મળી આવી છે. જામસલાયાના મળતા અહેવાલ મુજબ, અહીંના 11 વહાણો લોડીંગ માટે સલાલા બંદરે લાંગરવામાં આવ્યા હતા. તે પૈકી શાહે-અલ-શાબીર નામનું 4પ0 ટનની ક્ષમતાવાળું તેમજ સતારી એન્ડ કંપનીનું જહાજ શફીના-અલ-યુસબ નામનું 4પ0 ટનની ક્ષમતાવાળાં બે જહાજોએ જળસમાધિ લીધી હતી. આ વહાણોના 16 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. બાકીના 9 વહાણો બંદર ઉપર લાંગરેલા હતા તે સુલતાને મૈયુદ્દીન, ગૈસે મૈયુદ્દીન, અલ મકદુમ, ફેઝાને હાસમી, શાહે અલ હાસમી, અલ માસુમ, મદીના જલડુકાર, અલ જુબેરી, માશા અલ્લાહ નામના તમામ વહાણોને વ્યાપક નુકસાની થઈ છે. જો કે હજી શફીના-અલ-ખીજર, જુનેદી, મહેબુબે હાસમી નામના ત્રણ વહાણો સંપર્કવિહોણા બન્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer