કર્ણાટક ત્રિશંકુ : ન્યૂસ ચૅનલોના પૉલ્સમાં ભાજપ સૌથી આગળ

કર્ણાટક ત્રિશંકુ : ન્યૂસ ચૅનલોના પૉલ્સમાં ભાજપ સૌથી આગળ
નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) : ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરનો નિર્દેશ કરતા કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટેના મોટા ભાગના એક્ઝિટ પોલ્સમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરાઈ છે, પરંતુ ભગવા પક્ષને સરસાઈ અપાઈ છે અને જનતા દળ (સેક્યુલર) કિંગ મેકર તરીકે ઊપસી આવવાની શક્યતા દર્શાવાઈ છે.
રિપબ્લિક ટીવી-જન કી બાતના પોલમાં 224 સભ્યની વિધાનસભામાં ભાજપ 104 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવવાની આગાહી કરાઈ છે, જ્યારે એબીપી-સી વોટરના પોલમાં ભાજપ 104-116 બેઠક મેળવવાની આગાહી કરાઈ છે. કૉંગ્રેસને આ બે ન્યૂઝ ચૅનલોએ અનુક્રમે 78 અને 83-94 બેઠકો આપી છે, જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના નેતૃત્વવાળા જનતા દળ (સેક્યુલર)ને અનુક્રમે 20 અને 29 બેઠકો આપી છે.
કોઈ પણ પક્ષ અથવા યુતિને સરકાર રચવા 112 વિધાનસભ્યોના ટેકાની જરૂર રહેશે.
જોકે, ઇન્ડિયા ટુડે-એક્સિસ એક્ઝિટ પોલમાં કૉંગ્રેસને 106થી 118 વચ્ચે બેઠકો મળવાની જ્યારે ભાજપને 79થી 92 બેઠકો મળવાની આગાહી કરાઈ છે. જનતા દળ (સેક્યુલર)ને 22થી 30 બેઠકો મળવાની સંભાવના દર્શાવાઈ છે.
એનડી ટીવી પર પોલ અૉફ એક્ઝિટ પોલ્સમાં ભાજપને 97, કૉંગ્રેસને 90 અને જનતા દળ (સેક્યુલર)ને 31 બેઠકો મળવાની આગાહી કરાઈ છે. ટાઇમ્સ નાવ વીએમઆરે ભાજપને 94, કૉંગ્રેસને 97 અને જનતા દળ (એસ)ને 28 બેઠકો મળવાની આગાહી કરાઈ છે.
જોકે, ટાઇમ્સ નાવ - ચાણક્યના પોલમાં ભાજપને 120 બેઠક સાથે બહુમતી મળવાની આગાહી કરાઈ છે. જ્યારે કૉંગ્રેસ 73 અને જનતા દળ (એસ) 26 બેઠક મેળવશે એવી આગાહી કરાઈ છે.
 
 
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer