`નેપાળનો `શેરપા'' બનવા ભારત તૈયાર'' : મોદી

`નેપાળનો `શેરપા'' બનવા ભારત તૈયાર'' : મોદી
`યુદ્ધ'થી `બુદ્ધ' સુધીની સફરને બિરદાવી : પશુપતિનાથ,  મુક્તિનાથનાં દર્શન કર્યાં
કાઠમંડુ, તા. 12 (પીટીઆઈ) : નેપાળને સફળતાનું શિખર સર કરવામાં મદદ કરવા માટે ભારત `શેરપા' બનવા તૈયાર છે તેવું કહેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે `બુલેટ'થી `બેલોટ' સુધીની હિમાલય રાષ્ટ્રની સફળ સફરને વધાવી હતી. અહીં નાગરિક અભિવાદન સમારોહમાં સન્માનિત થયા બાદ મોદીએ બંને પાડોશી દેશોના વિશેષ સંબંધો પર ભાર મૂકતાં નેપાળની લોકતંત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
નેપાળે `યુદ્ધ'થી `બુદ્ધ' સુધીની, એટલે કે લડાઈથી શાંતિ સુધીની લાંબી સફર ખેડી છે, પરંતુ હજુ આ પણ મંજિલ નથી,  નેપાળે હજુ લાંબો પંથ કાપીને પ્રગતિ કરવાની છે, જેમાં ભારત સાથે છે તેવું તેમણે ઉમેર્યું હતું.
એવરેસ્ટની ટોચ સુધી પહોંચવા માટે પર્વતારોહકોને જે રીતે શેરપા સહયોગ આપે છે એ જ રીતે વિકાસના શિખરની ટોચે નેપાળને પહોંચાડવા માટે શેરપાની  ભૂમિકા ભજવવા ભારત તૈયાર છે તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.
મોદીએ 2015ના વિનાશક ભૂકંપ પછી દેશના પુનર્વસન માટે સહિયારી તાકાત તેમજ સંઘીય પ્રણાલી અપનાવીને દેશના રાજકીય ઈતિહાસને નવો ચહેરો આપનાર બંધારણ સ્થાપવા બદલ નેપાળના લોકોને અભિનંદન આપ્યાં હતાં.
ભારતે `િવશ્વના હિત' માટે સદાય કામ કર્યું છે અને નેપાળની પ્રગતિમાં પણ ભારત ભાગીદાર રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું.
કાઠમંડુને `િહમાલયના ખોળામાં હીરો' ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપતિનાથ અને મુક્તિનાથ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer