શ્રદ્ધાનું શ્રેષ્ઠ કેન્દ્ર : ભાઇંદરનું શંખેશ્વરપાર્શ્વનાથ બાવન જિનાલય તીર્થ

શ્રદ્ધાનું શ્રેષ્ઠ કેન્દ્ર : ભાઇંદરનું શંખેશ્વરપાર્શ્વનાથ બાવન જિનાલય તીર્થ
મુંબઈ, તા. 12 : મુંબઈ મહાનગરની નિકટ ભાઇંદરનું બાવન જિનાલય તીર્થ હજારો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં એકમાત્ર આ બાવન જિનાલય જૈનતીર્થની વિશેષતા એ છે કે ત્રણ મુખ્ય શિખર અને એને ફરતા કુલ ઓગણપચાશ શિખરો છે.
જિનાલયના આદ્યપ્રેરક પૂજ્યપાદ જૈનાચાર્ય ધર્મસૂરીશ્વરજી મહારાજે વિ.સં. 2023માં જિનાલય નિર્માતા દેવચંદ જેઠાલાલ સંઘવી પરિવારને બાવન જિનાલય નિર્માણની પ્રેરણા કરી ત્યારે સંઘવી પરિવારે શંકાવ્યક્ત કરતાં કહેલું કે `ગુરુદેવ! જિનાલય નિર્માણ તો કરીએ, પણ અહીં જૈનોના પાંચ ઘર પણ નથી. પૂજા-ભક્તિ વગેરેનું ધ્યાન કોણ રાખશે?' ગુરુદેવે ત્યારે ઉત્તર આપ્યો: `એની ચિંતા ન કરો. તમે જિનાલય નિર્માણ કરો. પૂજા કરનાર ભક્તોની તો બાવન જિનાલયમાં લાઇનો લાગશે.' આજે ગુરુદેવના એ શબ્દો અક્ષરશ: સત્ય ઠર્યા છે. ભાઇંદરનું આ તીર્થ ભક્તોથી ઊભરાઈ રહ્યું છે.
વિ.સં. 2035માં આ ભવ્ય જિનાલયના નિર્માણનો પ્રારંભ થયો અને વિ.સં. 2043માં તેની શાનદાર પ્રાણપ્રતિષ્ઠા થઈ. આસો-ચૈત્ર માસમાં સૌથી વધુ આયંબિલ ઓળીઓ અહીં થાય છે. બાવન જિનાલય સંઘમાંથી એકસો અઠયોતેર બાળ-યુવાન મુમુક્ષુઓ દીક્ષાનો માર્ગ સ્વીકારી ચૂક્યા છે. તીર્થના માર્ગદર્શક ગુરુદેવ આચાર્ય સૂર્યોદયસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં અહીં બે વાર ચાતુર્માસ આરાધના- બે વાર ઉપધાન તપ આરાધના પણ થઈ છે. તો તેઓના પટ્ટધર તેજસ્વી વક્તા આચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મ.ને સર્વોચ્ચ આચાર્યપદ પ્રદાન પણ પચીસ હજાર ભાવિકોની મેદની વચ્ચે અહીં જ યોજાયું હતું.
વિ.સં. 2073માં પૂ. આચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં અહીં છ-છ ભાઈઓની દીક્ષા- પૂ. યુવાપ્રવક્તા પં. રશ્મિરત્નવિજયજી ગણિવરને આચાર્યપદ પ્રદાન- કલ્યાણમંદિર સંકુલ તથા તીર્થ માર્ગદર્શક ગુરુદેવના ભવ્ય સમાધિ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. હાલમાં એ જ તેજસ્વી વક્તા ગુરુદેવ આદિ સિત્તેર શ્રમણ-શ્રમણી ભગવંતોની નિશ્રામાં આ તીર્થના પરિસરમાં ગ્રીષ્મકાલીન ઉપધાન તપની કઠિન આરાધના સુંદર રીતે ચાલી રહી છે. જેમાં એકસો પિસ્તાલીશ બાળઆરાધકો સામેલ થઈ આરાધના કરી રહ્યાં છે. આ આરાધનાનો શિરમોર માળારોપણ સમારોહ આગામી એક જૂને યોજાશે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer