મુંબઈ પર હુમલામાં પાકિસ્તાનના આતંકવાદીઓનો હાથ : નવાઝ શરીફ

ઈસ્લામાબાદ, તા. 12: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને અત્યારે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા નવાઝ શરીફે સ્વીકાર કર્યો છે કે, મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓનો જ હાથ હતો. નવાઝ શરીફના નિવેદન બાદ પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને છાવરવાની પોલ પણ છતી થઈ છે. જેમાં મુંબઈ હુમલા સાથે પાકિસ્તાનનું કોઈ કનેક્શન ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. 
નવાઝ શરીફે પાકિસ્તાનમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન પાકિસ્તાનમાં ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિ વિશે વાત કરી હતી. જેમાં સ્પષ્ટ પણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સક્રિય છે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, જ્યારે એક જ દેશમાં બે કે ત્રણ સમાંતર સરકાર ચાલી રહી હોય ત્યારે મુશ્કેલીઓમાં વૃદ્ધિ થાય છે. આ સ્થિતિનો ઉકેલ કરવો જરૂરી છે. નવાઝે આગળ ઉમેર્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય છે અને શું તેઓને મુંબઈમાં જઈને 150 લોકોની હત્યા કરવાની મંજૂરી આપી દેવી જોઈએ ? વધુમાં મુંબઈ હુમલા મામલે સુનાવણી અંગે પણ નવાઝ શરીફે સવાલ ઉઠાવી અદાલતી કાર્યવાહીને પ્રભાવિત કરવામાં આવી રહી હોવા તરફ ઈશારો કર્યો હતો. છેલ્લા લાંબા સમયથી પાકિસ્તાન મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં પાક.ના આતંકી સંગઠનનો હાથ હોવાના આરોપોને નકારતું રહ્યું છે પરંતુ નવાજ શરીફનાં નિવેદન બાદ વધુ એક વખત પાકિસ્તાનનો ચહેરો સામે આવ્યો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer