કર્ણાટકમાં 222 બેઠકો માટે 70 ટકા મતદાન

નવી દિલ્હી, તા. 12 : અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને ભારે ઉત્સાહ વચ્ચે કર્ણાટક વિધાનસભાની 222 બેઠકો ઉપર આજે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. આ સાથે જ 210 મહિલા ઉમેદવાર સહિત કુલ 2655 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. કર્ણાટકમાં આજે વિધાનસભાની 222 બેઠકો માટે 70 ટકા જેટલું ધિંગુ મતદાન થયું હતું. જેમાં અમુક સ્થળોએ આકરો તાપ અને વરસાદે વિધ્ન પણ સર્જયું હતું. હવે આગામી 15મી મેને મંગળવારે દક્ષિણના મહત્વપૂર્ણ રાજ્ય કર્ણાટકમાં મોદી મેજીક ચાલશે કે કેમ અથવા રાહુલ ગાંધી  મોદીના વિજય રથને રોકવામાં સફળ બનશે ? તેવા તમામ સવાલોનો જવાબ પરિણામ સાથે જ મળી જશે. 
ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ શિમોગાના શિકારીપૂરાથી પોતાનો મત આપ્યો હતો. મત આપતા પહેલા તેમણે પોતાના ઘરમાં અને મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપને ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મળી રહી છે અને 17મી મેના તેઓ સરકાર બનાવવા જઈ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના સિદ્ધારમૈયાએ યેદિયુરપ્પાને માનસિક રીતે અસ્વસ્થ ગણાવ્યા હતા.  હાઈપ્રોફાઈલ ચૂંટણી માટે ઝંઝાવાતી પ્રચાર અને મતદાન પછી હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાની રીતે ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે. એકબાજી ભાજપ અધ્યક્ષ અમિત શાહે 130 પ્લસ બેઠકો મળવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ સત્તા જાળવી રાખવા માટે આશાવાદી છે.
કર્ણાટકમાં પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ચડસાચડસી જોવા મળી હતી. બન્ને પક્ષોએ એકબીજાની વોટબેંક તોડવામાં કોઈ જ કસર બાકી રાખી નહોતી. જેમાં કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ જનસભાઓ સંબોધી હતી.
બીજી તરફ કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોરચો માંડયો હતો. આજે સવારથી કર્ણાટક વિધાનસભાની 224માંથી 222 બેઠકો ઉપર મતદાન શરૂ થયું હતું.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer