સુરત ઍરપોર્ટ પર ટૅક્સી - વે અને ટર્મિનલ બિલ્ડિંગનાં વિસ્તરણને મંજૂરી

સુરત ઍરપોર્ટ પર ટૅક્સી - વે અને ટર્મિનલ બિલ્ડિંગનાં વિસ્તરણને મંજૂરી
ઍર-એશિયા બાદ ઈન્ડિગો સુરતથી ફ્લાઈટ શરૂ કરે તેવી સંભાવના
સુરત તા. 12 : સુરત એરપોર્ટ પરનાં એરટ્રાફિકની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં હવે રન-વેની પેરેલેલ ટેક્સી-વે બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. એક જ વર્ષમાં એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા 1.94 લાખથી વધીને 6.81 લાખ પર પહોંચી છે. જે દર્શાવે છે કે એરપોર્ટ પર ટેક્સી-વેની જરૂરિયાત અનિવાર્ય છે. એરપોર્ટ ઓથોરિટી સમક્ષ સુરત એરપોર્ટ પર ટેક્સી-વે બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રૂા. 90 કરોડનાં ખર્ચે 3 કિલોમીટર લાંબો ટેક્સ-વે બનશે સાથે રૂા. 130 કરોડનાં ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગનાં વિસ્તરણની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. 
બન્ને પ્રોજેક્ટ માટે ટેન્ડરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ટેક્સી-વે બનતાની સાથે જ રન-વે પર ફ્લાઈટ લેન્ડિંગની ક્ષમતા પણ વધશે. મોટા એરપોર્ટની માફક ટેક્સી-વે નાં કારણે લેન્ડીંગ અને ટેકઓફની પ્રક્રિયા ઝડપી બની રહેશે. હાલનું સુરત એરપોર્ટનું ટર્મિનસ બિલ્ડિંગ 90 મીટર  પહોળું છે જેનું વિસ્તરણ કરવામાં આવશે. એક તરફ 62 મીટર અને બીજી તરફ 40 મીટરનો એરિયા વધારવામાં આવશે. ટેક્સી-વે બનતાં સુરતમાં એરક્રાફ્ટનાં પાર્કિંગની સમસ્યાનો પણ ઉકેલાઇ જશે.  
આ ઉપરાંત સુરતીઓ માટે ખુશખબર છે કે તાજેતરમાં જ એર-એશિયાએ સુરત-બેંગલૂરુની સીધી ફ્લાઈટનું બુકિંગ શરૂ કર્યુ છે અને 1લી જૂનથી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઈન્ડિગો એરલાઈન્સે અગાઉ સુરત એરપોર્ટ માટે સર્વે કર્યો હતો. જોકે તે સમયે ફ્લાઈટ શરૂ કરવાની કોઈ તૈયારી દર્શાવી ન હતી. હવે ફરી એક વખત ઈન્ડિગોએ તાજા સર્વે કર્યો છે અને સપ્ટેમ્બર સુધીમાં ગોવા, કોલકત્તા જેવાં શહેરો માટે સીધી ફ્લાઈટ શરૂ કરવાની વાત કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer