દિલ્હીથી આવેલા નૃત્યપ્રશિક્ષક ટ્રેન અકસ્માતમાં ઘવાતાં મોત સામે ઝઝૂમે છે

દિલ્હીથી આવેલા નૃત્યપ્રશિક્ષક ટ્રેન અકસ્માતમાં ઘવાતાં મોત સામે ઝઝૂમે છે
`મહિલાના ડબામાં ભૂલથી ચઢી ગયેલા પ્રવાસીને બીજા સ્ટેશને ઉતારી શકાય'
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : પ્રવાસીઓ પ્લેટફોર્મ અને ડબા વચ્ચેની જગ્યા ઉપર ધ્યાન આપો... એવી જાહેરાત પ્રવાસીઓને હવે મોઢે થઈ ગઈ છે. જોકે, મુંબઈની બહારથી આવેલા પ્રવાસીઓને લોકલ ટ્રેનોમાં ચઢવા ઉતરવામાં ઉદ્ભવતા ટેન્શનનો અંદાજ હોતો નથી. બહારથી આવેલ નવી વ્યક્તિ મુંબઈની ઉતાવળા અને ધમાલિયા જીવનથી મુંઝાઈ જાય છે.
દિલ્હીથી 17 વિદ્યાર્થીઓ સાથે મુંબઈ આવેલા નૃત્યપ્રશિક્ષક અવિનાશ દુગ્ગલે ગત ગુરુવારે અકસાબીચ પાસે પ્રેક્ટિસ કરાવી હતી. મલાડથી રાત્રે 9.30 વાગ્યે તે લોકલમાં ભૂલથી મહિલાઓના ડબામાં ચઢયો હતો. તેના ધ્યાનમાં તે બાબત આવતા તેણે ચાલુ ટ્રેને પ્લેટફોર્મ ઉપર કૂદકો મારતા તેનો પગ લપસ્યો અને તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગામાં ફસાયો હતો. હાલ તે કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં મૃત્યુ સામે ટક્કર લઈ રહ્યો છે.
મહિલા પ્રવાસીએ જણાવ્યું હતું કે કોઈક પુરુષ પ્રવાસી ભૂલથી મહિલાના ડબામાં ચઢી જાય તો મહિલાઓ ઊહાપોહ મચાવી દે છે. તેને ત્યાર પછીના સ્ટેશને પણ ઉતરવાની ફરજ પાડી શકાય છે. મહિલાના ડબામાં ભૂલથી એકાદવાર ચઢી જનારો દરેક પુરુષ અપરાધી હોતો નથી. તેને તત્કાળ ઉતરવાની ફરજ પાડવાને બદલે તેની જિંદગી મહત્ત્વની હોય છે એ ધ્યાનમાં રાખવું જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે બે દિવસ પહેલા જ ચુકાદો આપ્યો છે કે ટ્રેનમાંથી ચઢતા કે ઉતરતા પ્રવાસીને ઈજા થાય તો તેનું વળતર ચૂકવવા રેલવે તંત્ર બંધાયેલું છે.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer