મોટા મંદિરમાં બાલકૃષ્ણજીનું નિધિસ્વરૂપ બિરાજે છે

મોટા મંદિરમાં બાલકૃષ્ણજીનું નિધિસ્વરૂપ બિરાજે છે
ધર્મેશ વકીલ તરફથી
મુંબઈ, તા. 12 : આવતી 16મી મેથી 13મી જૂન સુધી પુરુષોત્તમ માસની ભવ્ય ઉજવણીઓ વિવિધ મંદિરો અને પુષ્ટિ હવેલીઓમાં થશે. પૂજ્યપાદ ગો. શ્રીગોવર્ધનેશજી મહારાજે દક્ષિણ મુંબઈમાં ત્રીજા ભોઇવાડા સ્થિત શ્રી મોટા મંદિરમાં શ્રી બાલકૃષ્ણલાલજીના નિધિ સ્વરૂપને બિરાજમાન કર્યું હતું. તે મોટા મંદિરમાં પુરુષોતમ માસ નિમિત્તે ઉત્સવો અને મનોરથ ઊજવાશે.
શ્રી મોટા મંદિરના પૂજ્યપાદ ગોસ્વામીજી શ્રી પ્રશાંતકુમારજીએ `જન્મભૂમિ'ને મુલાકાતમાં જગદ્ગુરુ શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્ય, રજો ક્ષત્રાણી શ્રી મોટા મંદિરમાં બિરાજતાં શ્રી ઠાકોરજી, બ્રહ્મસંબંધ અને છપ્પનભોગ વિશે માહિતી આપી હતી.
શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય સન 1535માં ચૈત્ર વદ એકાદશીના દિને ચંપારણ્યમાં થયું હતું. શ્રીમદ્ મહાપ્રભુજીના ભૂતરલોકમાં પ્રાગટ્યનું એકમાત્ર પ્રાયોજન દૈવી જીવોનો ઉદ્ધાર છે. શ્રીનાથજીએ એમને બ્રહ્મસંબંધના મંત્ર દ્વારા પ્રભુને શરણે થઈ અને દૈવી જીવોને સેવાનો અધિકાર આપવાની આજ્ઞા આપી હતી. પૂજ્યપાદ ગોસ્વામીજીએ શ્રાવણ સુદ બારસના દિવસે પ્રથમ બ્રહ્મસંબંધ દામોદરદાસજી હરસાણીને આપ્યું હતું. બાદમાં અસંખ્ય વૈષ્ણવોને શ્રીઠાકોરજીની સેવા અને લીલામાં અધિકાર બનાવવા બ્રહ્મસંબંધની દીક્ષા આપી હતી. એમણે બનારસના રજો નામના ક્ષત્રાણી મહિલાને બ્રહ્મસંબંધનો ગુરુમંત્ર આપ્યો હતો. રજો ક્ષત્રાણીની ભક્તિથી પ્રસન્ન થઈ પૂજ્યપાદ શ્રી મહાપ્રભુજીએ એમના પર કૃપા વરસાવી શ્રી બાળકૃષ્ણલાલજીનું સ્વરૂપ નિત્ય સેવા માટે પધરાવ્યું હતું.
પૂજ્યપાદ શ્રી વલ્લભાચાર્યજી એમના અવતારના ઉત્તર કાળમાં બનારસ પાસે અડેલ ગામમાં સ્થાયી થયા હતા. તે પૂર્વે એમણે ભારતની ત્રણ વાર પરિક્રમા કરી હતી. રજો ક્ષત્રાણીએ પણ આજ સ્થાને ગુરુ અને ગોવિંદની જીવનના અંત સુધી સેવા કરી હતી. રજો ક્ષત્રાણીએ શ્રીગોસ્વામીજીના નિત્યલીલા પ્રવેશ બાદ આ નિધિ સ્વરૂપ એમના બે લાલજી - પૂજ્યપાદ ગો. શ્રી ગોપીનાથજી અને પૂજ્યપાદ ગો. શ્રીગુંસાઇજી મહારાજને પધરાવ્યું હતું. કાળાંતરે આ સ્વરૂપની અડેલથી ગોકુળ પધરામણી કરાવી વૃજના જતીપુરામાં શ્રી ગિરિરાજજીની તળેટીમાં સૂરભીકુંડમાં બિરાજ્યું હતું. ત્યાંથી પૂજ્યપાદ ગો. શ્રી ગોવર્ધનેશજી મહારાજે મુંબઈના શ્રી મોટા મંદિરમાં શ્રી બાલકૃષ્ણલાલજીના આ નિધિ સ્વરૂપને બિરાજમાન કર્યું હતું. શ્રી ગોવર્ધનેશજી મહારાજશ્રી શ્રી મોટા મંદિરના આદ્યસ્થાપક છે અને એમના ગોસ્વામી બાળકો (વંશજો) હાલમાં શ્રી મોટા મંદિરમાં શ્રી ઠાકોરજીની નિત્ય સેવા કરી નિધિ સ્વરૂપનું લાલનપાલન કરી રહ્યા છે. ગર્ગસંહિતા અને શ્રીમદ્ ભાગવતજીમાં વર્ણવ્યાનુસાર વ્રજની અસંખ્ય ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ પામવા શ્રી યમુના મહારાણીજીના સ્વરૂપ એવા કાત્યાયની દેવીનું વ્રત કર્યું હતું.
છપ્પન ભોગનો મર્મ અને ઇતિહાસ
શ્રીકૃષ્ણે 16,000 ગોપીઓની તપ તેમ જ ભક્તિભાવથી પ્રસન્ન થઈ દુર્વાસા ઋષિને વ્રજમાં મોકલ્યા હતા. દુર્વાસાએ ગોપીઓને એમના વ્રતની ફળપ્રાપ્તિ માટે પ્રત્યેક ગોપીને 56 પ્રકારની સામગ્રીઓ બનાવી લાવવાની શીખ આપી હતી. એમણે ગોપીઓને જણાવ્યું કે આ છપ્પનભોગથી હું સંતોષ પામીશ તો શ્રીકૃષ્ણ આપના મનોરથો પૂર્ણ કરશે.
ભાગવતજીમાં ઉલ્લેખ મુજબ પ્રભુ શ્રીકૃષ્ણ પરિવાર સહિત નંદગામથી વૃજ ચોર્યાસી કોશની તીર્થયાત્રા દરમિયાન બરસાના પધાર્યા ત્યારે રાધિકાજીના પિતા શ્રીવૃષભાનજી અને માતા કીર્તિજીના નિમંત્રણને સન્માન આપી એમના નિવાસે ભોજન માટે પધરામણી કરી હતી. તે સમયે યજમાન પરિવારે 56 પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો, વાનગીઓ અને મિષ્ઠાન બનાવી સ્વામિનીજીના ભાવથી શ્રીઠાકોરજીને ભોગ ધરાવી અને આરોગાવી પ્રસન્ન કર્યા હતા.
શ્રીમદ મહાપ્રભુજીના દ્વિતીય લાલ પૂજ્યપાદ ગો. શ્રી વિઠ્ઠલનાથજી (શ્રીગુંસાઇજી મહારાજ)એ એમના જયેષ્ઠ લાલ પૂજ્યપાદ ગોસ્વામી શ્રીગીરધરલાલજીના લગ્નપ્રસંગના ઉપલક્ષ્યમાં શ્રીનાથજીબાવાને શ્રીગિરિરાજજીમાં સૌ પ્રથમ વખત છપ્પન ભોગ આરોગાવ્યો હતો.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer