બેસ્ટની બસમાં પ્રવાસીઓનો સામાન ચોરનારી મહિલાની આખરે ધરપકડ

96 એટીએમ કાર્ડ, 200 જેટલાં પર્સ, બાવન આધાર કાર્ડ, 45 પૅન કાર્ડ મળી આવ્યાં
મુંબઈ, તા.12 : બેસ્ટની બસમાં પ્રવાસીઓનો સામાન ચોરનારી મહિલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. 24 વર્ષની આ મહિલાએ 96 એટીએમ કાર્ડ અને 200 પર્સ સહિત વિવિધ સામાનની ચોરી કરી છે. છેલ્લાં એક વર્ષથી તે દૈનિક રૂા.1000થી રૂા.10,000 જેટલી કમાણી ચોરી દ્વારા કરી લેતી હતી. 
સિનિયર ઈન્સ્પેક્ટર ડીબી થોરાટે જણાવ્યું હતું કે, આરોપી સોફિયા ઈમરાન શેખની 7 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 12 મે સુધી તેને પોલીસ કસ્ટડીમાં રખાઈ હતી. પોલીસે તેના ચીકુવાડી, માનખુર્દના ઘરે રૅડ પાડી હતી અને જાણવા મળ્યું હતું કે તેનો પતિ અને ત્રણ બાળકો તેની ચોરીની કમાણી ઉપર જ આધાર રાખે છે. તેના ઘરમાંથી 200 લેડીઝ પર્સ, 96 એટીએમ કાર્ડ, 52 આધાર કાર્ડ, 45 પૅન કાર્ડ, 56 પોકેટ કાર્ડ વગેરે મળી આવ્યાં હતાં. સોફિયાના કુટુંબે બાળકોની દેખભાળ રાખવા માટે એક મહિલાની પણ નિમણૂક કરી હતી, કેમ કે સોફિયા આખો દિવસ ઘરની બહાર રહેતી હતી. 
શાહુનગર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર તુકારામ ધીગેએ જણાવ્યું હતું કે, અમારા સ્ટાફને તેના ઘરમાં એક સુટકેસમાંથી 200 લેડીઝ પર્સ, 96 એટીએમ કાર્ડ, 52 પૅન કાર્ડ, 21 ચૂંટણીનાં કાર્ડ, 56 શોપિંગ કાર્ડ, 23 બેસ્ટ બસના પાસ, 13 ડ્રાઈવિંગ લાઈસન્સ, 4 રેલવે પાસ, 7 પાસબુક અને રૂા.7000 રોકડ મળ્યા હતા.
સોફિયાએ પોલીસને કહ્યું કે, તે દરરોજ દાદરના ફૂલ બજારમાં ફૂલ વેચતી હતી. બજારમાં તે સવારે 11 વાગ્યા સુધી રહેતી હતી અને એવી મહિલાઓને લક્ષ્ય કરતી હતી જે દાદર સ્ટેશનથી માર્કેટ તરફ આવતી હોય. ત્યારબાદ પ્લાઝાથી ચેંબુર બસમાં જતી હતી અને બસમાં ભીડનો લાભ લઈને ત્યાં પણ ચોરી કરતી હતી. મોટા ભાગે તે મહિલાઓના સામાનને ચોરતી હતી અને ક્યારેય પણ ચોરી કરેલાં પર્સને ફેંકતી નહોતી. 
10 એપ્રિલના રોજ શાહુનગરના રહેવાસી સંજય ચુંચીકુર્વેએ તેમની પત્નીનું પર્સ બેસ્ટની બસમાં ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતાં સોફિયાનાં કારનામાં પ્રકાશમાં આવ્યાં હતાં. પોલીસ ઓફિસરે જણાવ્યું હતું કે, વિવિધ એટીએમમાં સોફિયાનાં સાત ટ્રાન્ઝેક્શન હતાં. કાર્ડમાં લખેલા પાસવર્ડનો તે ઉપયોગ કરતી હતી. એટીએમની અંદરના સીસીટીવી કેમેરામાં સોફિયા ઝડપાઈ હતી અને પોલીસે ધરપકડ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer