બૅન્કના ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા છ જણની ધરપકડ

થાણે જિલ્લામાં એટીએમ કૌભાંડનો પર્દાફાશ
થાણે, તા. 12 (પીટીઆઈ) : બૅન્કના ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને તેમના ખાતામાંથી રોકડની ઉચાપત કરનારા છ જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે ઉત્તર પ્રદેશના છે. આમાંથી એક આરોપી પોતે ફિલ્મ પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરતો હોવાનો દાવો કરે છે, એમ પોલીસે જણાવ્યું હતું. 
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) મુકુંદ હાટોટેએ જણાવ્યું હતું કે, 10 મેના રોજ નાયગામમાં મુંબઈ-અમદાવાદ હાઈવે ઉપર ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવીને આ આરોપીઓની ધરપકડ કરી હતી. સંતોષ ઓમપ્રકાશ ગિરિ (38), આફતાબ જાહીર આલમ ખાન (24), કેઈશ યાદવ (27), વિજય પાંડે (48), આલોક સિંઘ (30) અને અહમદ હુસેન ખાન (24)ની  પૂછપરછ દરમિયાન જણાયું હતું કે, આ ટોળકી એટીએમ મશીનોને હેક કરતી હતી, પીનકોડ ચોરી કરીને ખાતામાંથી પૈસાની ચોરી કરતા હતા. તેઓ એટીએમ મશીનો ઉપર નજર રાખતાં હતાં અને ગ્રાહકોને પૈસા વિડ્રો કરવામાં મદદ કરવાના બહાને તેમનો પીનકોડ જાણીને પછી ખાતામાંથી નાણાંની ઉચાપત કરતા હતા. આ ટોળકીએ રૂા.10 લાખથી રૂા.12 લાખ ચોરી કર્યા હોવાનો અંદાજ છે. મુંબઈ, થાણે, નવી મુંબઈમાં આ ટોળકી સક્રિય હતી. તેમની પાસેથી વિવિધ બૅન્કનાં 13 ડેબિટ કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં છે. 
ગિરિ અને આફતાબ ખાન ઉત્તર પ્રદેશના છે. મુંબઈમાં ગિરિ ફિલ્મ પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરતો હોવાનું હાટોટેએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer