ઔરંગાબાદમાં પાણીનું જોડાણ કાપવાના મુદ્દે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ

હિંસક તોફાનોમાં બેનાં મોત, 16 પોલીસ સહિત 41 ઘાયલ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં પાણીના ગેરકાયદે કનેકશન કાપવાના મુદ્દે બે સમુદાય વચ્ચે ભડકેલી હિંસા બાદ ભારે તંગદિલી ફેલાઇ ગઇ છે. મોડી રાત્રે ફાટી નીકળેલી હિંસા, આગજની, પથ્થરમારામાં બે લોકોનાં મોત થયાં છે અને 41 જણ ઘાયલ થયા છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જૂના ઔરંગાબાદ સહિતના વિસ્તારોમાં જમાવબંધી સંબંધી 144મી કલમ લાગુ કરી દેવાઇ છે.
પાણીના કનેકશનને તોડવા જેવા નજીવા મુદ્દા પર હિંસાની શરૂઆત થઇ હતી. ઉગ્ર બોલાચાલી થયા બાદ પથ્થરમારો અને આગની ઘટનાઓ બની હતી. હિંસા બાદ સમગ્ર વિસ્તારમાં વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. હિંસાની સ્થિતિને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. ઘાયલ થયેલા લોકોમાં 16 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
પોલીસે કહ્યું છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાના જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. તંગદિલીને ધ્યાનમાં લઇને સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના ગૃહ રાજ્યપ્રધાન દીપક કેસરકરે કહ્યું છે કે, હિંસામાં બે લોકોનાં મોત થયાં છે. સાથેસાથે 41 લોકો ઘાયલ થયા છે. કેસરકરે શાંતિ જાળવી રાખવા માટે તમામ લોકોને અપીલ કરી છે.
મોડી રાત્રે હિંસા દરમિયાન સ્થાનિક બજારોની બે દુકાનોને આગ ચાંપી દેવામાં આવી છે. ભારે તોફાનોને પગલે પોલીસે ગોળીબાર કરવો પડયો હતો. પોલીસ ગોળીબારમાં એક બાળકને પણ ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. વધુ હિંસાને રોકવા માટે તંત્ર સાબદું થઇ ગયું છે. રાજ્ય સરકારે પણ હિંસાની ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer