ચૂંટણી પૂરી; ઇંધણ ભાવવધારો તોળાય છે

સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલમાં દોઢ રૂા.ની દર્શાવી સંભાવના : ક્રૂડ 100 ડૉલરે પહોંચી શકે છે
નવી દિલ્હી, તા. 12 : એક બાજુ, કર્ણાટક ચૂંટણીનો આજે મતદાન સાથે અંત આવી ગયો છે. બીજી બાજુ, એ જ દિવસે ઇંધણ ભાવોના વધારાના સંકેત આપતા હેવાલ બહાર આવ્યા છે. હવે પેટ્રોલ-ડીઝલની કિંમત વધતાં લોકોના ખિસ્સામાં કાપ આવી શકે છે.
છેલ્લા એક પખવાડિયાથી તમે પેટ્રોલ-ડીઝલની કિંમતો નહીં વધવાથી ખુશ છો તો હવે નારાજગી પણ ઊભી થઇ?શકે છે. હેવાલો મુજબ, સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની વેચાણ કિંમતોમાં શનિવાર રાતથી જ વધારો કરવાનું મન બનાવી ચૂકી છે. વૈશ્વિક ખનિજ તેલની કિંમતો વધતાં અને રૂપિયાની કિંમતમાં ઘટાડા છતાં સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ- ડીઝલની કિંમતમાં 24મી એપ્રિલ-18થી કોઇ વધારો કર્યો નથી. દેખીતી રીતે આ ઘટનાક્રમોને કર્ણાટકની ચૂંટણી સાથે જોડવામાં આવે છે.
સરકારી તેલ કંપનીઓના સૂત્રોના જણાવ્યા મુજબ, 13મી મે-18થી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિર દોઢ રૂપિયો વધી શકે છે. જો કે, છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન ખનિજ તેલની કિંમતોનું સ્તર જોવામાં આવે તો દેશમાં પેટ્રોલની છૂટક કિંમતમાં ત્રણ રૂપિયા સુધીનો વધારો થઇ?શકે છે, પરંતુ સંભવત: એક સાથે આટલી મોટી વૃદ્ધિનો બોજ ગ્રાહકો પર નાખવામાં નહીં આવે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પહેલાંથી જ તેની સર્વોચ્ચ સપાટી પર છે ત્યારે તેમાં વધુ વધારો થઈ શકે છે. આનું કારણ એ છે કે ક્રૂડની કિંમતો સતત વધી રહી છે. આગામી વર્ષ સુધી ક્રૂડની કિંમત 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. બેંક ઓફ અમેરિકા કોર્પોરેશનના કહેવા મુજબ, વેનેઝુએલા અને ઇરાનમાં સપ્લાયમાં ઘટાડો થવાના કારણે આ સમસ્યા ઊભી થઇ શકે છે. હાલમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડતેલની કિંમત 77 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઇ છે. 
બેંકના કહેવા મુજબ, ઓપેક દેશો તરફથી ઉત્પાદનને મર્યાદિત કરવામાં આવી શકે છે. બ્લુમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા તરફથી ઇરાન પર મૂકવામાં આવેલા પ્રતિબંધની અસર પણ દેખાઇ રહી છે. આ તમામ કારણોસર કિંમતોમાં વધારો થઇ શકે છે. બેંકના કહેવા મુજબ, જો કિંમતોમાં ઉછાળો જારી રહેશે તો વર્ષ 2014 બાદ, એટલે કે આશરે પાંચ વર્ષ બાદ ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થઇ  શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer