મુંબઈ-રાજસ્થાન વચ્ચે રાખરીનો `નોકઆઉટ'' મુકાબલો

આજે જીતનારી ટીમની પ્લેઅૉફ્ફમાં પહોંચવાની શક્યતા થશે પ્રબળ
 
આશિષ ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 12 : યજમાન મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ બંને ટીમો એક જ નૌકામાં સવાર છે. બંને ટીમો 11 મૅચોમાં દસ પોઇન્ટ્સ ધરાવે છે અને પ્લેઅૉફ્ફમાં પહોંચવા માટે બેઉને પોતપોતાની ત્રણેય મૅચ જીતવી જરૂરી છે. મુંબઈએ લાગલગાટ ત્રણ મૅચમાં વિજય મેળવ્યો છે અને છેલ્લી મૅચમાં કોલકાતાને તેમના ઘરઆંગણે 102  રનથી સજ્જડ પરાજય આપ્યા બાદ ટીમનો ઉત્સાહ શિખર પર હશે. તો ચેન્નઈ સુપર કિંગ્સને તેમના ઘરઆંગણે નમાવ્યા બાદ રાજસ્થાન રોયલ્સનો જુસ્સો ચરમ પર હશે. આ મૅચના પરિણામના આધારે પ્લેઅૉફ્ફમાં સ્થાન પામનારી ચોથી ટીમ નક્કી થશે.
મુંબઈએ છેલ્લી ત્રણ મૅચમાં ઓલરાઉન્ડ દેખાવથી વિજય મેળવ્યો હતો. મુંબઈના સૂર્યકુમાર યાદવ, ઇશાંત કિશન, પંડયાબંધુઓ અને સુકાની રોહિત શર્મા હાલ ફોર્મમાં છે. સમસ્યા ઓપનર એવિન લૂઇસના ફોર્મની છે. તો સારી શરૂઆત બાદ મિડલ અૉર્ડરની નિષ્ફળતાએ મુંબઈને મુશ્કેલીમાં મૂકી છે. લૂઇસ, શર્મા અને ડયુમિની પણ ચાલી ગયા તો મુંબઈના રન પૂરને રોકવાનું આસાન નહીં હોય. નવોદિત લેગ સ્પીનર મયંક માર્કન્ડે મુંબઈ માટે આ સિઝનની શોધ સમાન છે. તો હાર્દિક પંડયાનું બૉલિંગ ફોર્મ પણ ટીમ માટે ઉત્સાહપ્રેરક બાબત છે. બુમરાહ પાછો લયમાં આવ્યો છે. તો મિચેલ મેકલેનેગ, બેન કટિંગ અને કૃણાલ પંડયાને કારણે બૉલિંગ આક્રમણને સંતુલન મળે છે.
તો રાજસ્થાનના ઓપનર જોશ બટલરે ચેન્નઈ સામે કરેલા અણનમ 95 રન ઉપરાંત આ પૂર્વેની બે મૅચમાં કરેલી અડધી સદીએ ટીમને સારી શરૂઆત અપાવી છે. સંજુ સેમસન જોરદાર શરૂઆત બાદ થોડો ધીમો પડયો છે. તો સુકાની અજિંક્ય રહાણેની નિષ્ફળતા અને રાહુલ ત્રિપાઠીનું ફોર્મ ચિંતાનો વિષય હશે. એ જ રીતે બેન સ્ટ્રોક્સે હજી પોતાની ઊંચી કિંમત મુજબનો દેખાવ કર્યો નથી. તો જયદેવ ઉનડકટનો બૉલિંગ દેખાવ પણ ઉજળો નથી. બૉલિંગમાં જોફ્રા આર્ચરે સારું પ્રદર્શન કર્યું છે, તો ક્રિષ્નપ્પા ગૌથમની બૅટિંગે મુંબઈને આ પહેલા હારનું મોં દેખાડયું હતું. આ મહત્ત્વની મૅચમાં રાજસ્થાન કરતાં મુંબઈનું પલડું ભારે જણાય છે. આજની મૅચ જીતનારની પ્લેઅૉફ્ફમાં પહોંચવાની શક્યતાને બળ મળશે. તો હારનાર માટે આગળનો રાહ વિકટ છે. મુંબઈ વિજયરથને આગળ ધપાવવાના ઇરાદે આજની મૅચમાં ઊતરશે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer