30મી મેથી બૅન્કકર્મીઓની 48 કલાકની હડતાળ

નવી દિલ્હી, તા. 12 : બેંક કર્મચારીઓના વેતનમાં સંશોધનની માગને લઈને દેશના ખાનગી અને સરકારી બેંકના 10 લાખથી વધુ કર્મચારીઓએ આગામી 30મી મેથી 48 કલાકની હડતાલનું એલાન કર્યું છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની હડતાલનો પ્રારંભ 30મી મેના સવારે 6 વાગ્યાથી થશે. બેંક કર્મચારીઓના વેતનમાં સંશોધન 1 નવેમ્બર 2017ના રોજ કરવાનું હતું. જો કે કામગીરી વિલંબમાં પડી હોવાથી બેંક કર્મીઓ બેંકકર્મી વેતન સંશોધનની કામગીરી આટોપવાની માગ કરી રહ્યા છે. એઆઈબીઈએના મહાસચિવ સી.એચ. વેંકટચલમે કહ્યું હતું કે, હડતાલની નોટીસ બેંક પ્રબંધનની પ્રતિનિધિ સંસ્થા, ઈન્ડિયન બેંક એસોસિયેશન અને મુખ્ય શ્રમ સચિવને પાઠવવામાં આવી છે. વેંકટચલમે ઉમેર્યું હતું કે, આઈબીએએ 31 માર્ચ 2017ના બેંકોના કુલ વેતન બિલ ઉપર બે ટકાની વૃદ્ધિની ભલામણ કરી હતી. આ અગાઉ વેતન બિલમાં 15 ટકા વૃદ્ધિની ભલામણ ઉપર સહમતી બતાવવામાં આવી હોવાથી બેંક કર્મચારી યુનિયને આઈબીએનો પ્રસ્તાવ ફગાવ્યો હતો. જો કે નવા સંશોધનમાં સમય કરતા વધુ વિલંબ થઈ રહ્યો હોવાથી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer