દુર્ઘટના રોકવા રેલવેના સ્માર્ટકોચમાં મદદરૂપ થશે બ્લૅક બૉક્સ

રાયબરેલી કોચ ફેક્ટરીમાં સ્માર્ટકોચનું અનાવરણ : મુસાફરોની સુરક્ષા માટે વિમાનની જેમ તૈયાર કરાયા સ્માર્ટ કોચ
નવી દિલ્હી, તા. 12 : ટ્રેન દુર્ઘટનાઓની સંખ્યા ઘટાડવા માટે ભારતીય રેલ દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાયબરેલીની કોચ ફેક્ટરીમાં સ્માર્ટ કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સ્માર્ટ કોચ વિમાનની જેમ બ્લેક બોક્સ ધરાવતા હશે. બ્લેક બોક્સ લાગેલા પહેલા સ્માર્ટ કોચનું નેશનલ ટેક્નોલોજી દિવસ ઉપર અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કોચ દ્વારા રેલવે દુર્ઘટનાઓ ઉપર અંકુશ મુકવાનો પ્રયાસ કરવામાં આવશે. 
રાયબરેલી કોચ ફેક્ટરની જનરલ મેનેજર રાજેશ અગ્રવાલે સ્માર્ટ કોચ લોન્ચ કરતા સમયે કહ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશનની દુનિયામાં બ્લેક બોક્સ લાગેલા સ્માર્ટ કોચ ગેમ ચેન્જર સાબિત થશે. ચીફ એન્જીનિયર ઈન્દ્રજીત સિંહે કહ્યું હતું કે, સ્માર્ટ કોચમાં રહેલા બ્લેક બોક્સ વિમાનમાં ફીટ થયેલા બ્લેક બોક્સ કરતા પણ વધુ અસરકારક રહેશે. વિમાનમાં રહેલા બ્લેક બોક્સ દુર્ઘટના રોકી શકતા નથી. જ્યારે સ્માર્ટ કોચના બ્લેક બોક્સ ટ્રેનને પાટા ઉપરથી ઉતરતી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત બ્લેક બોક્સ દરેક સમયે ટ્રેનને મોનિટર કરશે. જેથી સમય ઉપર ખામીઓને દુર કરી શકાય. જો ટ્રેનમાં કોઈ ખામી સર્જાશે તો ંબ્લેક બોક્સ તેની ચેતવણી મોકલશે. સ્માર્ટ કોચમાં બ્લેક બોક્સ ઉપરાંત સીસીટીવી, પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, ઈન્ફોટેન સોફ્ટવેર અને વાઈફાઈ એક્સેસ પણ ઉપલબ્ધ હશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer