પ્રામાણિક ઉદ્યોજકો માટે બૅન્કોએ નાણાંની કોથળી ખુલ્લી મૂકવી જોઈએ

જેમ્સ-જ્વેલરી ઉદ્યોગને સુરેશ પ્રભુનો સધિયારો
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 12 : પીએનબી કૌભાંડ પછી જેમ્સ અને જ્વેલરી તથા હીરા ઉદ્યોગને લોન મેળવવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે એ વખતે વાણિજ્ય અને ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ ઉદ્યોગની તરફેણમાં નિવેદન આપતા હાશકારો થયો છે. મુંબઇમાં શુક્રવારે યોજાયેલી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ બેન્કીંગ સમિટ 2018 દરમિયાન તેમણે એવું જણાવ્યું હતુ કે, સાચા અને પ્રામાણિક ઉદ્યોગ સાહસિકોને માટે બેંકોએ નાણાંની કોથળી ખુલ્લી મૂકી દેવી જોઇએ. અપ્રામાણિકના વાંકે બધા જ ઉદ્યોગકારો દંડાય તે વાજબી નથી. ઉલટુ લેભાગુઓ સામે બેંકોએ પગલા લેવા જોઇએ.
બેન્કર્સ સમિટ 2018માં કેન્દ્રીય પ્રધાન ઉપરાંત રાષ્ટ્રીયકૃત બેન્કોના ટોચના અધિકારીઓ અને વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાણાના કોયડાને ઉકેલવા માટે એક વ્હાઇટ પેપર પણ રજૂ કરવામાં આવ્યું હતું. 
સમિટમાં જીજેઈપીસીના ચેરમેન પ્રમોદ અગ્રવાલે જણાવ્યું હતું કે,  જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ દાયકાઓથી મહેનત અને સૂઝબૂઝથી આગળ આવ્યો છે. હજુ પણ ભવિષ્યમાં ઉત્તમ પ્રગતિ કરશે તેમાં કોઈ બેમત નથી. પરંતુ હાલમાં બેન્કો દ્વારા સમગ્ર ઉદ્યોગ માટે એક જ પ્રકારનું વલણ દાખવવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી. ઉદ્યોગના ઝડપથી વિકાસ માટે બેન્કોનો ભરોસો હોવો ખૂબ જરૂરી છે. કોઈ એક પ્રકરણથી બેન્કોએ ઉદ્યોગ સાહસિકોની વર્ષોની મહેનત અને પ્રામાણિકતાને નજરઅંદાજ કરવી જોઈએ નહિ. બેન્કોને અમારી રજૂઆત છે કે સાહસિકોની ક્રેડિટ મર્યાદામાં કોઈ પ્રકારનો ઘટાડો કરે નહિ. જીજેઈપીસી બેન્કોને સાહસિકોને વ્યક્તિગત રીતે ચકાસવા માટે તમામ પ્રકારનો સહયોગ આપશે. જીજેઈપીસીનાં મેમ્બરના કેવાયસી બેન્કોને આપવામાં આવશે. 
નોંધવું કે, જીજેઈપીસી દ્વારા આજે ફાયનાન્સના મુદે્ રજૂ કરાયેલું વ્હાઈટ પેપર ઐતિહાસિક બની રહ્યું છે. આ અગાઉ ક્યારેય પણ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને આ પ્રકારે નાણાં મેળવવાનાં ફાંફા પડયા નથી. સમિટમાં ઉપસ્થિત કોમર્સ સેક્રેટરી રીટા ટીયટીયાએ માય-કેવાયસી કાર્યક્રમને આવકારતાં કહ્યું હતું કે, આ કાર્યક્રમથી બેન્કો સાથે ઉદ્યોગ સાહસિકની પારદર્શિતા સાથે સાહસિકોનો આત્મવિશ્વાસ વધશે તેમ જ બેન્કો પણ તેના ગ્રાહકોને નાણાં આપવા માટે ઉદાર વલણ અપનાવવા માટે ઉત્સાહી બનશે. 
આજની બેન્કર્સ સમિટમાં ક્રિટીકલ ડેટા એનાલિસિસ, રિલેટેટ પાર્ટી ટ્રાન્ઝેક્શન, કોલેટ્રલ સિક્યોરીટી, ઈન્વેન્ટરી વેલ્યુએશન સહિતના મુદ્ઓની ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુએ બેન્કોના અધિકારીઓને પ્રામાણિક અને સાચા ઉદ્યોગ સાહસિકોને તેનાં રેકોર્ડનાં આધારે નાણાં આપવા ટકોર કરી હતી.
આ ઉપરાંત ટ્રેડ એસોસીએશન અને બેન્કો વચ્ચે દર ત્રણ મહિને બેઠકો યોજવા સૂચન કર્યુ હતું. કંપનીમાં એક વખત સ્ટોક વેરીફીકેકશન અને તેનું વેલ્યુએશન સાથે જે તે કંપનીનાં ક્રેડિટ રેટીંગમાં સુધારા કરવા સહિતનાં સૂચનો બેઠકમાં થયાં હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer