શૅરબજારની ચાલ મોટા આંચકા પચાવી સાર્વત્રિક સુધારાતરફી

સમીર ધોળકિયા તરફથી
`જન્મભૂમિ પ્રવાસી'    મુંબઈ, શનિવાર
ચાલુ સપ્તાહ દરમિયાન એક તરફ અમેરિકન પ્રમુખના ઈરાન સંધિમાંથી છૂટા પડવાના નિર્ણય અને તેની પાછળ વધતા આંતરરાષ્ટ્રીય તેલના ભાવ, જયારે બીજી તરફ કર્ણાટકની ખરેખરીના ખેલ જેવી ચૂંટણી જેવા મોટા આંચકા પચાવી શૅરબજારે નિર્ણાયક રીતે ઉપર તરફની ચાલ બતાડી છે. એમ લાગે છે કે ભારતીય શૅરબજાર હાલ કોઈ પણ  નકારાત્મક સમાચારને અવગણીને આગળ વધી રહ્યું છે.  આમ હવે રોકાણકારે સારા શૅરોમાં લેણ પકડી રાખવું તે નક્કી છે. બીજું, ભારતીય શૅરબજાર હવે ફક્ત એફઆઇઆઇ (ફોરેઇન પોર્ટફોલીઓ ઇન્વેસ્ટર) પર આધારિત ન રહેતા, ઘર આંગણેના મ્યુચ્યુઅલ ફંડ્સ,  નાણાં સંસ્થા તેમ જ વીમા કંપનીઓના ટેકા થકી સ્થિરતા પામ્યું છે. આમ સતત એફઆઇઆઇની વેચવાલી છતાં બજાર નાના મોટા રિયેકશનને બાદ કરતા મોટી મચક આપતું નથી. 
બજારના એક વર્ગનું માનવું છે કે ભારતીય શૅરબજાર આવનારા સમયમાં પણ સમગ્ર વિશ્વના રોકાણકારોને આકર્ષિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે અને દુનિયાના ઘણા દેશની સરખામણીએ સ્વસ્થ અને વૃદ્ધિવાળું અર્થતંત્ર ધરાવે છે. હાલની એફઆઇઆઇની વેચવાલી તેમના પોતાના ઘરઆંગણાના કારણોસર હોય તેવું લાગે છે. આ ઉપરાંત હાલના વેલ્યૂએશને નફો બુક કરવાની વૃત્તિ હોય તેવું પણ બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે ભૂતકાળમાં પણ એફઆઇઆઇ પોતપોતાના કારણોસર વેચીને ગયા પછી બેવડા જોરથી રોકાણ કરવા પાછા આવે છે. ભારતીય શેરબજાર ખૂબ જ વિશાળ થઈ ગયું છે અને તે ઘરઆંગણાના તેમ જ વિદેશી રોકાણકારને વિવિધ સેક્ટર તેમ જ કંપનીઓમાં રોકાણની તક પૂરી પાડે છે. 
વોલમાર્ટ જેવી ધરખમ કંપની  ફ્લિપકાર્ટ માં મોટા પાયે રોકાણ કરતા એક વસ્તુ ચોક્કસ નક્કી છે કે વિદેશી કંપની હોય કે વિદેશી ફંડ્સ દરેકને ભારત ખૂબ જ બહોળું બજાર હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેમાં પગપેસારો કરવા તેઓ કોઈ પણ હદે જવા તૈયાર છે. ભારતમાં સબળ લોકશાહી, સબળ અર્થતંત્ર, રોકાણકાર માટે બહોળી તક જેવા પાસાં તેની તરફેણમાં છે. આ ઉપરાંત ભારતીય શૅરબજારમાં લિસ્ટેડ અગ્રણી કંપનીઓ સતત ગતિશીલ રહી આગળ વધી રહી છે. દેશના મોટા ઔદ્યોગિક ગૃહ જેવા કે રિલાયન્સ, તાતા, બિરલા અને ગોદરેજ વારસાથી ચાલ્યા આવતા ધંધાથી સંતોષ ન માની, સતત નવી નવી દિશા શોધી આગળ વધી રહ્યા છે. તો એવા પણ ઘણા છે કે જેઓ તદ્દન સામાન્ય પરિસ્થિતિમાંથી પોતાનું સામ્રાજ્ય ઊભું કરી બીજાને માટે પ્રેરણા સ્તોત્ર બન્યા છે. આમ તુલનાત્મ દૃષ્ટિએ ભારત, ભારતીય બજાર અને શૅરબજાર બીજા ઘણા ઇમર્જિંગ માર્કેટની સરખામણીએ ખૂબ જ સારું વળતર આપવાની ક્ષમતા ધરાવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer