આજે ફાઇનલ જંગ

આજે ફાઇનલ જંગ

બાંગ્લાદેશ સામે રોહિતસેનાએ સાવધ રહેવું પડશે

કોલંબો, તા. 17 : (પીટીઆઈ) નિદહાસ ત્રિકોણી ટી-20 શ્રેણીના ફાઈનલ જંગમાં બહેતર ટીમ ઈન્ડિયા, આક્રમક બાંગ્લાદેશ સામે વિજયના ઈરાદે મેદાને પડશે. સ્પર્ધાની આરંભિક મેચમાં શ્રીલંકા સામે હારનો સામનો કર્યા બાદ નવલોહિયા ખેલાડીઓ સાથેની ભારતીય ટીમે મજબૂત વાપસી કરીને સળંગ ત્રણ મેચ જીતી લીધી છે પણ 20 ઓવરની ક્રિકેટમાં બાંગલાદેશ પણ મજબૂત હોવાથી તેને હળવાશથી લેવાનું રોહિતસેનાને પાલવશે નહીં. 
ગઈ રાત્રે રોમાંચક મેચમાં મહેમદુલ્લાહે અંતિમ દડે સિક્સર ફટકારીન બાંગ્લાદેશને નિર્ણાયક વિજય અપાવ્યો છે ત્યારે એ ટીમ પણ આત્મવિશ્વાસમાં હશે. અલબત્ત, બેટિંગ અને બોલિંગ બંને મોરચે બાંગ્લાદેશથી ભારત બહેતર જ છે. 2015ના વર્લ્ડકપથી બાંગલાદેશીઓ ભારત સામે હારને પચાવી શકતા નથી. જો કે, ત્યારબાદ ભારતને પણ એકવાર બાંગલાદેશ સામે શ્રેણીહારનો સામનો કરવો પડયો હતો. 
ધવને ટૂર્નામેન્ટમાં 200થી વધુ રન કર્યા છે, તો રોહિતે પણ છેલ્લી મેચમાં 61 દડામાં 89 રન ફટકારીને ફોર્મ પરત મેળવી લીધું છે. ટી-20 ક્રિકેટમાં સુરેશ રૈના પણ જોરદાર બેટ્સમેન છે. મનીષ પાંડે પણ પ્રતિભાશાળી છે. શાર્દૂલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદર જેવા નવોદિત બોલરોએ તક ઝડપી લઈને સૌને પ્રભાવિત કર્યા છે. 
લંકા સામેની મેચમાં શકીબુલ હસને ટીમને મેદાનમાંથી પરત બોલાવી લેવાના પ્રયાસ અને વિજય બાદ આનંદના અતિરેકમાં ડ્રેસિંગ રૂમમાં તોડફોડથી ટીમની પ્રતિષ્ઠા વધી નથી. ફાઈનલ જંગમાં ટીમ ઈન્ડિયા ફેવરિટ તરીકે ઊતરશે. મેચ મોડી સાંજે 7 વાગ્યાથી પ્રસારિત થશે. 
ભારતે આઠમી માર્ચના બાંગ્લાદેશને છ વિકેટે, જ્યારે 14મી માર્ચના બાંગ્લાદેશ પર 17 રને જીત મેળવી હતી. બન્ને મેચો જીતી લીધા બાદ ભારતીય ટીમ ફાઇનલ મેચમાં વધુ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ગઇકાલે રમાયેલી મેચમાં બાંગલાદેશે શ્રીલંકા સામે જીતવા માટેના જરૂરી 160 રન 19.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer