પ્લાસ્ટિકની થેલી વાપરનારને પાંચથી 25 હજારનો દંડ

 
મુંબઈ, તા. 17 : પ્લાસ્ટિકની થેલી વાપરનારા અપરાધીઓ પ્રથમ વખત પકડાય તો રૂા. 5000નો દંડ, બીજી વખતે રૂા. 10,000 અને ત્રીજી વખતે રૂા. 25,000ના દંડ સહિત ત્રણ મહિનાની જેલ થશે. મહારાષ્ટ્ર સરકારે સ્વયં સેવી સંસ્થા (એનજીઓ)ના પ્રતિનિધિઓની નિમણૂક કરીને તેમને પોલીસમાં ફરિયાદ કરવા માટે સજ્જ કરવાનો પણ નિર્ણય લીધો છે, એમ પર્યાવરણ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું. 
પ્લાસ્ટિકની થેલીઓના બંધી બાબતે અનેક પ્રશ્નો હોવાથી રાજ્ય સરકારે તબક્કાવાર તેમના નિર્ણયને અમલમાં લાવવાનું નક્કી કર્યું છે. તેમ જ દૂધના પાઉચ, પેટ બોટલ્સ, કચરાની થેલી અને અન્ય પ્લાસ્ટિક પ્રોડકટ્સની બંધીને બાકાત રાખવામાં આવી છે. એક જ વખત વપરાતી પ્લાસ્ટિકની થેલી અને કટલરી ઉપર બંધી મૂકવામાં આવી છે. 
સરકારે વપરાયેલી બોટલને જમા કરવા માટે પણ એક યોજના બનાવી છે. આ યોજના હેઠળ તમારે મિનરલ વોટરની બોટલ ખરીદવા માટે એક રૂપિયો વધુ ચૂકવવો પડશે અને જ્યારે આ બોટલ પરત તમે દુકાનદારને આપશો તો તમારો એક રૂપિયો પાછો મળશે. આ યોજના દૂધના પાઉચ માટે પણ છે. ગ્રાહકે પ્રતિ દૂધના પાઉચ માટે 50 પૈસા વધારાના ચૂકવવાના રહેશે, આ પાઉચ પાછા દુકાનદારને આપતાં રકમ પાછી મળશે. શહેરી વિભાગમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિક ઉપર બંધી લાદવામાં આવશે, જ્યારે ગ્રામીણ ભાગમાં જિલ્લા વહીવટ દ્વારા બંધી લાદવામાં આવશે.
વર્ષ 2006માં મુંબઈમાં ડેન્ગ્યૂ બાદ 50 માઈક્રન્સ સુધીની પ્લાસ્ટિકની થેલી ઉપર બંધી લાદવામાં આવી હતી. જોકે, સરકારને બાદમાં સમજાયું કે 50 માઈક્રન્સ ઉપરની થેલીઓથી નાળના અવરોધોને હટાવવામાં મદદ મળતી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer